જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા


સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદ્દન ખાતે  લોકસંવેદના કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે મંત્રીએ જિલ્લા સમાજ કલ્યાણ (વિકસતી જાતિ) અધિકારી ડી.એમ.આંબલીયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.પંચાયત), અનૂ.જાતિ કલ્યાણ નાયબ નિયામક એસ.એન.ધ્રાંગુ, સમાજ સુરક્ષા અધિકારી એમ.કે.મોરી પાસે વિવિધ યોજનાકીય વિગતો મેળવી તે અંગે વિશેષ ચર્ચા કરી હતી.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદેશ અભ્યાસ લોન, પંડીત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને માનવ ગરીમા યોજના મળીને કુલ ૮ લાભાર્થીઓને રૂપિયા ૮.૧૮ લાખ સહાયની રકમ, ર્ડો.આંબેડકર આવાસ યોજના અને કુંવરબાઈનું મામેરૂ સહાય યોજનાના કુલ ૪ લાભાર્થીઓને રૂપિયા ૧.૭૨ લાખ સહાયની રકમ તેમજ દિવ્યાંગ સાધન સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને દિવ્યાંગ બસ પાસ યોજનાના મળીને કુલ ૨૨ લાભાર્થીઓને રૂપિયા ૯.૯૦ લાખની સહાયની રકમની ચૂકવણી કરવામાં આવી છે તેમ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે ઉમેર્યુ હતું.


ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નાયબ અનુ.જાતિ કલ્યાણ, સમાજ કલ્યાણ વિ.જા. અને સમાજ સુરક્ષા વિભાગના લાભાર્થીઓને યોજનાકીય કિટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્વાગતવિધી  નાયબ નિયામકશ્રી અનુ.જાતિ.કલ્યાણ અધિકારીશ્રી એસ.એન.ધ્રાંગુએ કરી હતી. જ્યારે આભારવિધી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.કે.મોરીએ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ દેવશીભાઈ પરમાર, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમુખ લખુભાઈ, યુવા ભાજપ મોરચાના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતાપભાઈ પીંડારીયા, જિલ્લામાં સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા સંચાલિત સંસ્થાઓના પ્રમુખઓ અને ટ્રસ્ટીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો તેમજ અગ્રણી સર્વ હિતેશભાઈ પીંડારીયા અને સબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.