જામનગર મોર્નિંગ -ખંભાળીયા : ખંભાળીયા તાલુકાના પીપરીયા ગામે આવેલ આઈ શ્રી કામઈ ધામ ખાતે રામાભાઇ નાથાભાઈ ગઢવી અને મયુરભાઈ રામભાઈ ગઢવી પરિવાર દ્વારા સામાજીક સમરસતા સમર્પણ વંદના કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની વિગતે વાત કરીયે તો આશરે 450-500 વર્ષ પહેલા માં કામઈના પિતા તથા ભાઈઓની એ સમયની અતિપ્રખ્યાત ઘોડીઓ જોવા માટે ત્યાંના રજવાડા સૂબા લઇ જતા અને બાદમાં દાનત બદલતા તે ઘોડીઓ પરત આપવાનો ઇન્કાર કરતાં માં કામઈ ક્રોધિત થઈને તે રાજા સામે પોતાના અંગમાં કટારથી પ્રાણ આપવાનો નિર્ણય કરે છે ત્યારે જ દલિત પરિવારના વીર નાગાજણ વારસાખીયા તે દ્રશ્ય જોવે છે માં કામઈનું દુઃખ જોઈ શકે એમ ના હોય અને રાજા સામે લડી શકે એમ પણ ના હોય જેથી પોતાની જાતને કટાર મારીને પ્રાણની આહુતિ આપે છે. આ જોઈને માં કામઈ પણ ખુબ દુઃખી થાય છે રાજા પસ્તાઈ છે માં કામઈના પગમાં પોતાની પાઘ મૂકીને માફી માંગે છે અંતે માં રાજાને માફ કરી દયે છે અને વીર નાગાજણની ચિતા પાસે જ વચન આપે છે કે ભાઈ નાગાજણ હું પણ મારાં પ્રાણનો હવે ત્યાગ કરીશ પણ તને વચન આપું છું કે દર વર્ષે જયારે મને જુવારા (નિવૈદ્ય) ચડશે એ પહેલા તને ચડશે પછી મને ચડશે. આ બનાવને સાડા ચારસો પાંચસો વર્ષ વીતી ગયા ત્યારથી આ ક્રમ ચાલતો આવે છે માં કામઈ માટે બલિદાન આપનાર વિર નાગાજણને પહેલા જુવારા ચડે બાદમાં માં કામઈને ચડે છે. કામઈ માતાજીના મંદિર પાસે જ નાગાજણ વારસાખિયાનું ડેરું આવેલ છે.

નાગાજણ વરસાખીયા પરિવારનું આ ઋણ ચારણ સમાજ પર હોય જે ઋણ સ્વીકાર કરવા માટે ખંભાળીયાના પીપરીયા ગામ ખાતે આવેલ કામઈ ધામ ખાતે ગઈકાલે શનિવારે ભવ્ય અને દિવ્ય સામાજીક સમરસતા વંદના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 11 હજાર દીવડાઓ સાથે મહાઆરતી કરવામાં આવી હતી. નાગાજણ વારસાખીયા પરિવારના ભુવાઆતાનું રક્તતુલા કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉદબોધન દરમિયાન આગેવાનોએ પણ સામાજીક સમરસતાના આ કાર્યક્રમને ખુબ બિરદાવ્યો હતો અને આવાજ બીજા પ્રસંગોને યાદ કરીને તે પણ ઉજાગર કરવા આવા કાર્યક્રમો યોજાઈ તેવી ઈચ્છા દર્શાવી હતી. કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોનું દેવભૂમિ દ્વારકા જીલ્લાના અઢારેય વરણ દ્વારા સન્માન કરાયું હતું. માતાજીની સડી યાત્રા કાઢવામાં આવી હતી. કાર્યક્રમમાં પધારેલ સર્વે મહેમાનોનું રામભાઈ ગઢવી પરિવાર દ્વારા સ્વાગત સન્માન અને કાર્યક્રમને અંતે આભાર દર્શન કરવામાં આવ્યું હતું. આખા દિવસના કાર્યક્રમમાં 50 હજારથી 1 લાખ જેટલાં ભક્તજનો ઉમટી પડ્યા હતા બપોર અને સાંજ બંન્ને સમય મહાપ્રસાદની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમ માટે કોઈ પણ ફંડ ફાળો લેવામાં આવ્યો ના હતો તમામ ખર્ચ રામભાઈ નાથાભાઈ ગઢવી પરિવાર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

 આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, સામાજિક ન્યાય વિભાગ ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, પૂર્વ રાજ્યસભા સાંસદ શમ્ભુ ટુંડીયા, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા, રઘુભાઇ હુંબલ, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ, જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ તે સિવાય લોકગાયક કલાકાર ભીખુદાન ભાઈ ગઢવી, કિર્તીદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા, બિહારી હેમુદામભાઈ ગઢવી જોડાયા હતા વિગેરે અનેક લોકો જોડાયા હતા.