જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૨૧ : જામનગર - પોરબંદર રોડ પર ભાણવડ તાલુકાના મોડપર ગામથી આગળ અને હનુમાન ગઢ ગામ પહેલા બ્રીજ આવેલ હતો તે તૂટી ગયો છે જેથી રસ્તો બાજુમાં ડાયવર્ઝન કર્યો છે લગભગ ૫૦૦ મીટર જેટલો આ ડાયવર્ઝન રોડ ૫ મીટર આસપાસની પહોળાઈ નો બનાવેલ છે જયારે સામસામે બે વાહનો આવી જાય ત્યારે ભારે હાલાકી થાય છે ડાયવર્ઝન રોડ લંબાઈ અને ગોળાઈ વાળો હોવાથી સામેથી કોઈ વાહન આવતું હોય તે દેખાઈ નહી અને અધવચ્ચે જયારે બંને વાહનો ભેગા થાય ત્યારે મહામુસીબત થાય છે. ફોરવ્હીલ પ્રકારના વાહનોમાં વાંધો ઓછો આવે પણ જયારે બે ટ્રક એક સાથે સામ - સામે આવી જાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાઈ છે અને રોડ જામનગર થી પોરબંદરને જોડતો મુખ્ય રોડ હોવાથી પરિવહન પણ મોટા પ્રમાણમાં રહે છે જયારે મોટા બે વાહનો સામ સામે થાય છે ત્યારે બંનેની પાછળ મોટી સંખ્યામાં વાહનોની કતાર થઇ જાય છે. એમ પણ હમણાં ખાસ લગ્નની સીઝન ચાલતી હોવાથી મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. ગઈકાલે સાંજના સમયે આ ડાયવર્ઝનમાં ડાયવર્ઝન ઉપરાંત બંને બાજુ ૫૦૦ મીટર થી વધારે લંબાઈની વાહનોની કતારો લાગી હતી અને લાંબો સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

પોલીસ દ્વારા બંને બાજુ બંધોબસ્ત ગોઠવવામાં આવે તો રાહત મળે

ડાયવર્ઝનની બંને છેડે ટ્રાફિક જવાનને રાખવામાં આવે તો મહદઅંશે ટ્રાફિક કંટ્રોલ કરી શકાય જયારે એક છેડે થી મોટું વાહન પ્રવેશે ત્યારે સામે છેડે મોટા વાહનો રોકી રાખે તો આ સમસ્યાથી છુટકારો મળી શકે તેમ છે.