• પેપર ફોડ, ભરતી કૌભાંડમાં ઉત્તર ગુજરાત મોખરે અગાઉ એલ. આર. ડી. પેપર ફૂટવાના આરોપી અને ડીજીવીસીએલમાં ગેરરીતિ આચરેલ ઉમેદવાર પણ મહેસાણાના હતા.


જામનગર મોર્નિંગ : ગુજરાતમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની માહિતી સામે આવી રહી છે. આજે વન રક્ષક ભરતીનું પેપર ફૂટયું હોવાની આશંકા સેવાઇ રહી છે. ઉનાવામાં વન વિભાગની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં વિધાર્થીઓનું નસીબ જ ફૂટેલું હોય તેવી રીતે છેલ્લા કેટલાક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક કૌભાંડ અને ગેરરીત સામે આવી રહી છે. તેવામાં આજે વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાની પરીક્ષામાં ગેરરીત થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાત દિવસ મહેનત કરી રહેલા વિધાર્થીઓ ચિંતિત બન્યા છે કે શું વધુ એક પરીક્ષા રદ્દ કરવામાં આવશે ?


મહેસાણાની ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરીક્ષા દરમિયાન નાગરિક મંડળ ના લેટર પેડ ઉપર પરીક્ષામાં પૂછયેલા સવાલોના જવાબ લખેલાના ફોટો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો. પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો.ત્યારે અહી સવાલ એ થાય છે શું કોઈને આ પેપર પહેલીથી મળી ગયું હશે?


વર્ષ 2018 માં ભરતી માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી. ફોર્મ ભરાયાને 4 વર્ષ બાદ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. આજે રાજ્યમાં વન રક્ષક – વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું.