- બ્રિજ પરથી 100-200 જેટલાં લાઇમ સ્ટોન ભરેલા દૈનિક ટ્રકો અને તે સિવાય 20 થી વધુ ટ્રાવેલ્સ અને બસો પસાર થઇ રહી છે જે પરિવહનને ધ્યાને લઈને અગ્રતા ધોરણે આ પુલ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે.
ભરત હુણ - ભાણવડ
જામનગર મોર્નિંગ - ભાણવડ તા.29 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ થી પોરબંદરને જોડતા રાજ્ય સરકાર હસ્તકના ભાણવડ - પાછતર - નાગકા રોડ પર ભેનકવડ ગામ પાસે આવેલ મોટો બ્રિજ ગત વર્ષે ચોમાસા પહેલા તિરાડો પડીને તૂટી ગયો હતો જેના કારણે તે બ્રિજ પરથી તમામ મોટા વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને આ બ્રિજ પરથી મોટર સાઇકલ, રીક્ષા અને મોટર કાર જેવા નાના વાહનો પસાર થવા દેવામાં આવી રહ્યા છે. બ્રિજની નીચેથી બરડા પંથકના પાણી નિકાસ માટેનો મોટો વોકળો આવેલ છે સારો વરસાદ થાય એટલે દિવાળી સુધી આ વોકળા માં મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ ચાલુ રહે છે.
હવે મૂળ વાત પર આવીયે બ્રિજ પુલમાં તિરાડો પડીને તૂટી જતા મોટા વાહનો ડાયવર્ટ કરાયા જે ભેનકવડ ગામથી મોખાણા - ઘુમલી થઈને ભાણવડ આવે છે જે 10 કીમી થી પણ વધારેનો મોટો ડાયવર્ઝન થાય છે અને તેના હિસાબે ગ્રામીણ રસ્તો જે ડાયવર્ઝન કરાયો તે પણ મોટા ભારે વાહનો ચોમાસામાં અવર - જ્વરને કારણે નાશ પામ્યો છે અને તેમાં એટલા મોટા પ્રમાણમાં ખાડાઓ પડી જાય છે કે ચોમાસા દરમિયાન આ રોડ પરથી નાનું વાહન પસાર થઇ શકતું નથી.
તૂટેલા બ્રિજ નીચેના વોકળામાં દિવાળી બાદ પાણીનો પ્રવાહ બંધ થઇ જાય ત્યારે ત્યાં પુલની નીચે ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવે છે પણ પ્રથમ વરસાદ થયેથી બાદમાં તે પાણીનો પ્રવાહ દિવાળી અથવા તેના પછી ઘણો સમય સુધી પાણી ચાલુ રહે ત્યાં સુધી ઉપર જણાવ્યા મુજબના ગ્રામીણ રસ્તા પરથી ભરેખમ વાહનો પસાર થાય છે.
હાલમાં રાજ્ય સરકાર દ્વારા 1 કરોડ અને 17 લાખની રકમ આ નવા આર. સી. સી. બ્રિજ માટે મંજુર કરી છે ત્યારે તાકીદે અને તાત્કાલિક ધોરણે અગ્રતા આપીને આ બ્રિજનું કામ શરૂ થવું જોઈએ તેવી અહીંના લોકોની માંગ છે. આ રોડ અને બ્રિજ પરથી 100-200 જેટલાં લાઇમ સ્ટોન ભરેલા દૈનિક ટ્રકો અને તે સિવાય 20 થી વધુ ટ્રાવેલ્સ અને બસો પસાર થઇ રહી છે જે પરિવહનને ધ્યાને લઈને અગ્રતા ધોરણે આ પુલ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે.
0 Comments
Post a Comment