ખેડૂતોને બીજામૃત તથા પંચગવ્ય જેવી પ્રાકૃતિક ખેત પદ્ધતિથી માહિતગાર કરાયાં

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી આત્મા પ્રોજેકટનાં પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી ડી. એમ.મકવાણાનાં માર્ગદર્શન હેઠળ એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) જામનગર દ્વારા વાવણી પહેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે માહિતગાર કરવા માટે વિવિધ તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના બધાજ તાલુકાના જુદા જુદા ગામો  સરવાણીયા, ફગાસ, નાની વાવડી, સતાપર, સોનવડિયા, કાનવીરડી, જીવાપર ગામોમાં  ફાર્મસ્કુલનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજે ૩૬૦ ખેડૂતોએ તાલીમ લીધી હતી. ફાર્મસ્કુલના પ્રથમ તબ્બકામાં જમીનની યોગ્ય ખેડ, બીજની પસંદગી તથા પાક વાવણી માટે માર્ગદર્શન તેમજ ગાયના છાણમાંથી બનતા જીવામૃત, ઘન-જીવામૃત વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવેલ તેમજ પ્રાકૃતિક કૃષિમાં બીજને પટ આપવા માટે ઉપયોગમાં લેવાતું તેમજ ફૂગનાશક તરીકે વપરાશમાં લેવાતું બીજામૃત અને પંચગવ્ય વગેરે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો વિશે આત્મા પ્રોજેક્ટ જામનગરના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી જીજ્ઞેશ બી.પટેલ દ્વારા માહિતી  આપવામાં આવી હતી તેમજ બીટીએમ તથા એટીએમ દ્વારા જીવામૃતનું  પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવ્યું હતું. ફાર્મસ્કુલના પ્રથમ તબ્બકાનું સફળતાપુર્વક આયોજન પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી ડી.એમ.મકવાણા અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી જે. બી.પટેલના માગદર્શન હેઠળ જે તે તાલુકાના બીટીએમ તથા એટીએમ દ્વારા કરવામાં આવ્યું હતું.