જામનગર મોર્નિંગ - નવી દિલ્હી 


સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના ચુકાદામાં સેક્સ વર્કને પ્રોફેશન તરીકે સ્વીકાર કર્યો છે. કોર્ટે કહ્યુ કે આ વ્યવસાયમાં શામેલ લોકોને સમ્માનપૂર્વક જીવવાનો અધિકાર છે, તેમને કાયદા હેઠળ સમાન સુરક્ષાનો અધિકાર છે. સાથે જ કોર્ટે પોલિસને નિર્દેશ આપ્યા છે કે જો આ વ્યવસાય સાથે જોડાયેલા પુખ્ત વયના હોય અને પરસ્પર સંમતિથી સંબંધ બનાવી રહ્યા હોય તો તેમણે આ વ્યવસાયમાં શામેલ લોકોના જીવનમાં ના તો દખલ કરવી જોઈએ અને ના તેમની સામે કોઈ ગુનાહિત કાર્યવાહી કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે એ વાત કહેવાની કોઈ જરુર નથી કે આ વ્યવસાયમાં હોવા છતાં દરેક વ્યક્તિને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સમ્માનજનક જીવન જીવવાનો પૂરો અધિકાર છે. સેક્સ વર્કર્સને સમાન કાનૂની સુરક્ષાનો અધિકાર છે. બધા મામલામાં ઉંમર અને પરસ્પર સંમતિના આધારે ક્રિમિનલ લો સમાન રીતે લાગુ હોવો જોઈએ. એ સ્પષ્ટ છે કે સેક્સ વર્કર્સ પુખ્ત હોય અને સંમતિથી યૌન સંબંધ બનાવી રહ્યા હોય તો પોલિસે તેમનાથી દૂર રહેવુ જોઈએ, તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવી જોઈએ નહિ. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે આ ચુકાદો આપ્યો છે. બેંચના અધ્યક્ષ જસ્ટીસ એલ નાગેશ્વર રાવ છે. કોર્ટે આ આદેશ આર્ટિકલ 142 હેઠળ વિશેષ અધિકારો હેઠળ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યુ હતુ કે જ્યારે પણ પોલીસ દરોડા પાડે ત્યારે સેક્સ વર્કરની ધરપકડ ન કરવી જોઈએ, સજા કરવી જોઈએ નહિ અને ત્રાસ આપવો જોઈએ નહિ. સ્વ અને સહમતિથી સેક્સ ગેરકાયદેસર ન હોવાથી માત્ર વેશ્યાલય ચલાવવુ એ ગુનો છે. મા વેશ્યાવૃત્તિમાં વ્યસ્ત છે માત્ર એટલા માટે સેક્સ વર્કરના બાળકને તેની માતાથી અલગ ન કરવુ જોઈએ. સેક્સ વર્કર્સ અને તેમના બાળકોને પણ મૂળભૂતસુરક્ષા અને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર છે. જો કોઈ સગીર વેશ્યાગૃહમાં રહેતો હોવાનું અથવા સેક્સ વર્કર સાથે રહેતો હોવાનુ જાણવા મળે તો બાળકને તસ્કરી તરીકે ગણવામાં આવવું જોઈએ નહિ.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જો કોઈ સેક્સ વર્કર પોલીસમાં ફરિયાદ નોંધાવે તો તેની સાથે ભેદભાવ ન કરવો જોઈએ ખાસ કરીને જો ગુનો સેક્સ સંબંધિત હોય. જો સેક્સ વર્કર્સ જાતીય અપરાધોનો ભોગ બને તો તેમને તમામ પ્રકારની મદદ મેડિકો-લીગલ પૂરી પાડવી જોઈએ. એવુ જાણવા મળ્યુ છે કે સેક્સ વર્કર્સ પ્રત્યે પોલીસનુ વલણ સારુ નથી. તેઓ વારંવાર તોડફોડ અને હિંસાનો ભોગ બને છે. તેમને એવુ માનવામાં આવે છે કે તેમની કોઈ ઓળખ જ નથી.

પોલીસ-મીડિયાને કડક સૂચના

કોર્ટે કહ્યુ કે જો સેક્સ વર્કરની ધરપકડ કરવામાં આવે અથવા તેમના ઘર પર દરોડા પાડવામાં આવે અથવા તેમને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવે તો મીડિયાએ તેમની ઓળખ જાહેર કરવી જોઈએ નહિ. પીડિતા તરીકે કે દોષિત તરીકે ન તો તેનું નામ જાહેર કરવુ. તેનો કોઈ ફોટો કે વીડિયો પણ સાર્વજનિક ન કરવો જેથી તેની ઓળખ જાહેર થાય. વળી, કોર્ટે કહ્યુ કે યાદ રાખો કે કોઈપણ પ્રકારની જાસૂસી કરવી એ ગુનો છે. આ સાથે જ કોર્ટે પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જો સેક્સ વર્કર્સ કોન્ડોમનો ઉપયોગ કરે તો તેનો પુરાવા તરીકે ઉપયોગ ન કરવો. કોર્ટે સૂચન કર્યુ છે કે કેન્દ્ર અને રાજ્યોએ કાયદામાં સુધારા માટે સેક્સ વર્કર્સ અથવા તેમના પ્રતિનિધિઓને શામેલ કરવા જોઈએ. કોર્ટના આ નિર્ણયને મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.