જામનગર મોર્નિંગ 


આપણે સૌ વાત વાતમાં આદર્શ સમાજ વ્યવસ્થાને “ રામ રાજય” તરીકે વર્ણવીએ છીએ. બધું જ સારૂ હોય એટલે સહેજે આપણાથી બોલાઈ જાય “ ભાઈ, રામ રાજ્ય છે !” આ રામ રાજય એટલે શું ?

સામાન્ય પરિભાષામાં રામ રાજ્ય એટલે કલ્યાણ રાજય યાને કે સુરાજય. સાચુ સ્વરાજ ! જયાં રાજા - પ્રજા સહિત સમગ્ર જીવ સૃષ્ટિ સુખી હોય, જ્યાં જળ, જમીન, જંગલ, જાનવર અને જન સમુદાય સહિત બધાની સરખી હિફાજત થતી હોય, જ્યાં માનવીય સુખાકારી હોય. જયાં જન - જન વચ્ચે સારુ સાંમજસ્ય હોય, વગેરે વગેરે .... આ પ્રકારની શ્રેષ્ઠ સમાજ વ્યવસ્થાને જો એક વાક્યના પ્રાસમાં કહેવી હોય તો “સુખી, સંપન્ન, સમૃધ્ધ, શિક્ષિત, સુરક્ષિત, સ્વસ્થ, સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વદેશી, સમરસ, સંસ્કારી સમાજ ”. આ સંદર્ભમાં ગૌમાતાને જ્યારે “માતર : સર્વ ભૂતાનામ્ ગાવઃ સર્વ સુખપ્રદા” કહી છે, ત્યારે  “રામ રાજય”ની ઉપરોકત કલ્પનાને સાકાર કરવામાં ગૌમાતા વિશેષ મહત્વ ધરાવે છે.


વર્તમાન સમયમાં યુનાઇટેડ નેશન દ્વારા ૧૭ સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકોના માધ્યમથી સંપૂર્ણ વિશ્વને ધ્યાનમાં રાખી ઇ.સ. ૨૦૩૦ સુધીમાં કલ્યાણકારી વિશ્વની કલ્પનાને સાકાર કરવાનું લક્ષ્ય આપેલ છે. ભારતીય સમાજ વ્યવસ્થા કે જે વસુધૈવ કુટુંમ્બકમ્, ભવતું સર્વ મંગલમ્ અને સર્વ જીવ હિતાવહની વિભાવનાને પોષક છે, તેમાં બધા જ ઉપરોક્ત લક્ષ્યો સમાવિષ્ટ છે. ભારત વર્ષ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની સંસ્કૃતિની ભૂમિ છે. ઉપરોક્ત લક્ષ્યોની પૂર્તિ માટે ગૌ સંસ્કૃતિની વિશેષ ભૂમિકાને સમજવાનો પ્રયાસ કરીશું.

લક્ષ્ય ૧ : ગરીબીની સંપૂર્ણ રીતે નાબુદી : ગોપાલન અને ગાયના પંચગવ્ય ઉત્પાદો દ્વારા આર્થિક    ઉપાર્જનથી ગરીબીને નાબૂદ કરી શકાય. અનેક વિધવા બહેનો અને આદિવાસી કુટુંબો ગાયો દ્વારા સમૃદ્ધ બન્યાના ઉદાહરણો મોજૂદ છે.

લક્ષ્ય ૨ : ભૂખમરાની સમાપ્તિ : ગાયના દૂધ, દહીં, ઘી શ્રેષ્ઠ આહાર છે. ગૌ આધારિત કૃષિ ઉત્પાદનો શ્રેષ્ઠ પોષક તત્વો ધરાવે છે. ગૌ કૃષિ સાશ્વત કૃષિ છે. પૂરતું ઉત્પાદન ભૂખમરાની સમાપ્તિમાં સહાયરૂપ થશે.

લક્ષ્ય ૩ : ઉત્તમ સ્વાસ્થ્ય : પંચગવ્ય ઉત્પાદો શ્રેષ્ઠ ઔષધી છે, આરોગ્યવર્ધક છે, પોષક છે. સ્વાસ્થ્ય પ્રદ છે. જંતુનાશક દવા રહિત ગૌ કૃષિ દ્વારા જ રોગમુક્ત સમાજની રચના શક્ય છે.

લક્ષ્ય ૪ : ગુણવત્તાયુક્ત શિક્ષણ : પંચગવ્ય મેધાવર્ધક , સ્વાસ્થ્યપ્રદ અને શક્તિ વર્ધક છે. આથી શ્રેષ્ઠ, બુદ્ધિજીવી, નિરોગી સંતાનોના નિર્માણમાં સહાયક છે. ગોપાલનથી પરિવાર આર્થિક રીતે સક્ષમ અને સ્વસ્થ રહેવાથી બાળકોને સમાન રીતે ઉત્તમ શિક્ષણ આપી શકશે.

લક્ષ્ય ૫ : લૈંગિક સમાનતા : ગૌ માતા પ્રત્યે પૂજ્યભાવ અને મહિલાઓ દ્વારા વિશેષ ગોપાલન અને ગૌ ઉદ્યમિતાને કારણે મહિલા સશક્તિકરણને વેગ મળશે, જેથી મહિલા પ્રત્યે સમાનતાની ભાવનાને વેગ મળશે.

લક્ષ્ય ૬ : શુધ્ધ પાણી અને સ્વચ્છતા : ગાયનું પંચગવ્ય ગુણકારી તેમજ શ્રેષ્ઠ ઔષધી છે. જમીનની ઉર્વરા શક્તિ વધારે છે. આથી જળ સંચયને વેગ મળે છે. જળની શુધ્ધતા વધે છે. ગાયના પંચગવ્ય વાયુ, જળ, જમીન, જંગલ અને જીવસૃષ્ટિ બધાને શુધ્ધ અને સ્વચ્છ રાખે છે.

લક્ષ્ય ૭ : સસ્તી અને સ્વચ્છ ઉર્જા : ગાયના ગોબર - ગૌમૂત્ર દ્વારા નિર્મિત બાયોગેસ, સી.એન.જી., ઇલેક્ટ્રીસીટી, બાયોફર્ટીલાઇઝર સહીતની ઘરેલુ, સરળ અને પોષણક્ષમ ઉર્જા પર્યાવરણ પૂરક છે. ધરતીના પેટાળમાં રહેલ પેટ્રોલ - ડીઝલ ખતમ થતાં ઉર્જાનો ઉકેલ ગૌમાતા જ  છે.

લક્ષ્ય ૮ : શુભ કાર્યો દ્વારા સર્વ સમાવેશી આર્થિક વિકાસ અને ઉદ્યમિતા : ગૌપાલન પવિત્ર અને પુણ્ય કાર્ય છે, તેમજ ઉત્તમ અને શ્રેષ્ઠ વ્યવસાય છે, પર્યાવરણ પૂરક છે. ગૌધન આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. ગૌ આધારિત ઉદ્યમિતા મહિલા અને યુવા રોજગારીના શ્રેષ્ઠ માધ્યમ છે. આર્થિક સંપન્નતાની સીડી છે.

લક્ષ્ય ૯ : ટકાઉ ઉદ્યોગો, સ્ટાર્ટ અપ અને બુનિયાદી ઢાંચાનો વિકાસ : ગૌ આધારિત કૃષિ, અન્ન, ફળ, ફૂલ, શાકભાજી ઉત્પાદન, દૂધ અને દૂધની બનાવટો, ગૌમુત્ર દ્વારા મેડીસીન અને બાયોપેસ્ટીસાઈડઝ, ગોબર દ્વારા બાયોફર્ટીલાઇઝર અને તેને આનુસાંગિક મશીનરી, માર્કેટીંગ વગેરે ટકાઉ સર્વસમાવેશી, વિકેન્દ્રિત ઉદ્યમિતા દ્વારા સ્ટાર્ટ-અપ સહીત ઔદ્યોગિક વિકાસ આર્થિક સંપન્ન સમાજ રચનામાં સહાયભૂત બનશે.

લક્ષ્ય ૧૦ : વૈશ્વિક અસમાનતા દૂર થશે : “ગાવો વિશ્વસ્ય માતર : ગાવ: સર્વ સુખપ્રદા :”, ગૌમાતા ધર્મ, જાતિ, સંપ્રદાય, રંગ કે ભૌગોલિક ભેદભાવ વગર તેના પંચગવ્ય દ્વારા બધાનું સરખુ જ હિત કરે છે, કલ્યાણ કરે છે. આથી માનસિકતા બદલવાનું અને વિવિધ સમાજોને જોડવાનું કાર્ય કરે છે. ગૌમાતા સાર્વજનીન, સાર્વદૈશિક, સાર્વભૌમિક અને સાર્વલોકિક છે. સમન્વયકારી છે. સર્વ પ્રત્યે કરુણા અને સ્નેહ વરસાવે છે. ભેદભાવ દૂર કરે છે. માનવમાત્રને સંસ્કારી અને સદગુણી બનાવવાની તાકાત ધરાવે છે.

લક્ષ્ય ૧૧ : શહેરી અને સામુદાયિક વિકાસ : ગૌપાલન, ગૌ આધારિત કૃષિ દ્વારા ગ્રામ્ય સમૂહનો આર્થિક વિકાસ સંભવ બનશે. અનૂસાંગિક ગૌ આધારિત ઉદ્યોગો, મશીનરી, માર્કેટીંગ દ્વારા શહેરોની સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. આમ સર્વ સમાવેશી અને ટકાઉ સાર્વત્રિક વિકાસમાં ભાગીદાર બનશે.

લક્ષ્ય ૧૨ : જવાબદેહી ઉત્પાદન અને ઉપભોગ : ગૌ ઉત્પાદનો અને ગૌ આધારિત ઉદ્યોગો પ્રમાણિક, પવિત્ર અને ઉમદા વ્યવસાયના પૂરક છે. ગાય આધ્યાત્મિકતા અને સુચિતાનું પ્રતિક છે. પંચગવ્ય સંવેદનશીલ, જવાબદાર અને સમાજસેવી વ્યક્તિઓના નિર્માણમાં સહાયભૂત થાય છે. આથી આવો સમજદાર અને જવાબદાર સમાજ ઉપભોગમાં અને ઉત્પાદનોમાં પણ સંયમિત બની સાદુ જીવન ઉચ્ચ વિચાર સાથે પવિત્ર જીવન જીવે છે.

લક્ષ્ય ૧૩ : જળવાયુ પરિવર્તનની અસરો : ગાય અને ગાયના પંચગવ્ય શ્રેષ્ઠ પર્યાવરણ રક્ષક છે. ગાયનું ઘી વાતાવરણ શુદ્ધિકરણ માટે શ્રેષ્ઠ છે. ગૌમુત્ર પણ બેક્ટેરિયા અને વાઇરસ મુક્ત વાતાવરણના નિર્માણમાં સહાયભૂત થાય છે. ગાયનું ગોબર હવન, યજ્ઞ અને જૈવિક ખાતરો દ્વારા જળ, જમીન અને વાયુની રક્ષા કરે છે. ગાયનું સાન્નિધ્ય દૂષિત તરંગોને નાથવામાં મદદરૂપ થાય છે.

લક્ષ્ય ૧૪ : સામૂહીક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ : ગૌ સંસ્કૃતિ આધારિત સક્ષમ, સમર્થ, વ્યક્તિ અને સમાજ તેને ઉપલબ્ધ સંસાધનો અને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશે. પર્યાવરણ રક્ષા કરશે. દરેક જીવ માત્ર પ્રત્યે કરુણાભાવ રાખતો થશે. સંવેદનશીલ બનશે. જીવસૃષ્ટિને પૂરક બનશે.

લક્ષ્ય ૧૫ : ભૂમિ પરની જીવસૃષ્ટિ : પૃથ્વી માનવ પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ થી બનેલી છે, તેની સહજીવીતા અને સાહચર્ય એકબીજાને પૂરક છે. ગાય શ્રેષ્ઠ જીવાત્મા છે. ગૌ આધારિત કૃષિ, ગૌપાલન અને પંચગવ્યથી જમીન બંજર થતી અટકશે અને ઉર્વરાશક્તિ વધશે. જંગલો અને વૃક્ષોની રક્ષા થશે. જૈવિક વિવિધતા ટકી રહેશે. પર્યાવરણ રક્ષા થાય છે. પૃથ્વી પરનું જીવન ટકી રહે છે.

લક્ષ્ય ૧૬ : શાંતિ અને ન્યાયપ્રિય સમાજ : ગૌમાતા કરુણાની મૂર્તિ છે. દયાવાન છે. કલ્યાણકારી છે. શાંતિ પ્રદાયિની છે. ગાયનું સાનિધ્ય જીવમાત્રને શાંતી આપે છે. સુખ આપે છે. સ્વસ્થ રાખે છે. સુરક્ષિત રાખે છે. ઝઘડાથી દૂર રાખે છે. આથી ન્યાયપૂર્ણ, શાંતિપ્રિય, સમરસ અને સંસ્કારી સમાજના નિર્માણમાં સહભાગી બનશે. ગૌમાતાનું જીવન જ પરોપકારી છે.

લક્ષ્ય ૧૭ : વૈશ્વિક સામૂહીક ભાગીદારી : ગૌમાતા સર્વ હિતકારી છે, સર્વ કલ્યાણકારી છે, સર્વસુખપ્રદા છે. તે માનવ જીવનમાં શ્રદ્ધાપૂર્વક કેન્દ્રસ્થાને રહેશે તો “વસુધૈવ કુટુંબકમ્”ની વિભાવનાને સાકાર કરવામાં મદદરૂપ થશે. આમ વૈશ્વિક ભાગીદારી દ્વારા સબકા સાથ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ અને સબકા વિકાસ દ્વારા સર્વ સમાવેશક સમરસ - એકાત્મભાવ યુક્ત વૈશ્વિક કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થશે.

ટુંકમાં આદર્શ સમાજ વ્યવસ્થા માટેના બધા જ “ સ ” નો સમાવેશ થઈ જાય છે એવા સુખ પ્રદાન કરનારી ગાય માતાનું મહાત્મ્ય અમૂલ્ય અને અતુલ્ય  છે. દરેક ધર્મ અને સંપ્રદાય આ બાબતે એક મત ધરાવે છે, જે ગૌમાતાને વિશ્વ વંદનીય બનાવે છે.

સર્વગુણસંપન્નતા યુક્ત ગૌવંશની સુવાસ, દિવ્ય વિશ્વના નિર્માણમાં ઉપકારક બનવાની છે. ૨૧મી સદીમાં ગૌસંસ્કૃતિ આધારિત સમાજ વ્યવસ્થા જ વ્યકિત, સમષ્ટિ, અને પરમેષ્ટિ સુધીના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરનારૂં પરિબળ બની રહેશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા વિકાસના માર્ગને વિનાશકારી ન બનાવતા અને યથાયોગ્ય ઉપયોગ દ્વારા ગૌ આધારિત સમાજ વ્યવસ્થાને સ્વીકારી વિશ્વ કલ્યાણ સાધી શકાય તેમ છે. “રામ રાજય” સ્થાપી શકાય તેમ છે. “રામ રાજય”ની સ્થાપના અને નવી પેઢીના સુંદર વિશ્વ માટે ગૌવિજ્ઞાન જેટલું જલ્દી સમજીને સમાજમાં પ્રસ્થાપિત કરીએ એ સર્વના હિતમાં છે. માનવીય અને પ્રાકૃતિક આપદાઓ સમગ્ર સૃષ્ટિને સંપૂર્ણ પ્રલય તરફ લઈ જાય એ પહેલા જાગી જઈએ તો સારૂ !

ડો. વલ્લભભાઈ કથીરિયા

પૂર્વ અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગ,

પૂર્વ કેન્દ્રીયમંત્રી,

ભારત સરકાર.

મો. ૯૦૯૯૩ ૭૭૫૭૭