બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત"માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા" અંગે જાગૃતિકરણ કાર્યક્રમ યોજાયો

જામનગર મોર્નિંગ - જામનગર  


"મેન્સ્ટ્રુઅલ હાયઝીન ડે"(માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકોમાં અને ખાસ કરીને કિશોરીઓમાં અને મહિલાઓમાં માસિક સ્ત્રાવને લઈને જુદીજુદી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેવીકે માસિકને ખરાબ ગણવામાં આવે છે, આ સમય દરમિયાન મહિલાઓને અપવિત્ર માની રસોઈમાં કે ધાર્મિક સ્થળોમાં પ્રવેશ માટે વર્જિત ગણવામાં આવે છે વગેરે.પરંતુ માસિક સ્ત્રાવ એ એક કુદરતી પ્રક્રિયા છે અને આ સમય દરમિયાન દરેક કિશોરી કે મહિલાઓએ અમુક કાળજી રાખવાની હોય છે જેથી તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને અન્ય બીમારીઓનો ભોગ બનતા અટકે. આ બાબતને ધ્યાને લઇ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ, જામનગર દ્વારા  ગુજરાત નેવલ એન.સી.સી.દ્વારા આયોજિત કેમ્પમાં હાજર કેડેટ્સને મહિલાઓના માસિકચક્ર સંબંધે જાગૃતી આવે અને આ સમય દરમિયાન અંગત સ્વચ્છતા અને આહાર બાબતે શું કાળજી લેવી તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન એક પુરુષ તરીકે કોઈ મહિલાને કેવી રીતે મદદરૂપ થવું તે બાબતે પણ તમામ કેડેટ્સને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ સબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, વ્હાલી દીકરી યોજના વગેરે અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.



આ કાર્યક્રમમાં બેટી બચાઓ બેટી પઢાઓ સેલ જામનગરના નોડલ ઓફિસર અને અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. ચંદ્રેશ ભાંભી,દહેજ પ્રતિબંધક અધિકારીઓ  હંસાબેન ટાઢાણી,સોનલબેન વર્ણાગર, ગુજરાતની જુદી જુદી શાળા અને કોલેજના એન.સી.સી.ઓફિસરો અને ૨૫૦ જેટલા કેડેટ્સ હાજર રહ્યા હતા.