• નવોદયમાં પ્રવેશ આપી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા


 જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.29 : દેવભૂમિ દ્વારકા જિલ્લાને વીતેલા 6 વર્ષથી નવોદય વિદ્યાલયનું કેન્દ્ર આપવામાં આવ્યું છે પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ જગ્યા પર નવોદય વિદ્યાલય કાર્યરત થઈ નથી.

     જામ કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામે નવોદય વિદ્યાલયની વિશાળ બિલ્ડીંગનું નિર્માણ થવા પામ્યું છે અને હોસ્ટેલ સુવિધા સાથેની બિલ્ડીંગનું લગભગ છએક મહિનાથી સંપૂર્ણ કામ પતી ગયું છે જેમાં અત્યારથી શાળા કાર્યરત કરવી હોય તો થઈ શકે એમ છે પરંતુ કલ્યાણપુરમાં એક ભાડાના મકાનમાં આ વિદ્યાલય ચાલવાય છે અને નવા સત્રથી પણ નવનિર્મિત નવોદય વિદ્યાલય કાર્યરત થાય તેવી શક્યતાઓ નથી દેખાઈ રહી સ્થાનિક નેતાઓને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રજુઆત કરતા આંખ આડા કાન કરી કોઈ પ્રત્યુતર આપતા નથી.સત્વરે નવોદય વિદ્યાલય શરૂ કરવા વાલીઓની માંગ એટલા માટે છે કે અત્યારે કાર્યરત નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી પ્રવેશ તો અપાય છે પરંતુ ઓફલાઇન શિક્ષણ માત્ર 9 અને 10 ના વિદ્યાર્થીઓને જ અપાઈ રહ્યું છે. અન્ય વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈનના નામે ભવિષ્ય સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે ગામડાંઓમાં નેટવર્ક સમસ્યા હોવાથી ઓનલાઈન લેક્ચર સારી રીતે વિદ્યાર્થીઓ જોઈ શકતા નથી તેથી નાવોદયમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના ભણતર ઉપર માઠી અસર જોવા મળી રહી છે તેથી વાલીઓ વારંવાર રાજુઆત કરી નવનિર્મિત નવોદય વિદ્યાલય આ સત્રથી જ શરૂ કરવા માંગ કરી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

    સંપૂર્ણ બાંધકામ થઈ ચૂક્યું હોવા છતાં અને શાળા કાર્યરત કરવા બિલ્ડીંગ સક્ષમ હોવા છતાં જો આ સત્રથી નવોદય વિદ્યાલય શરૂ કરવામાં નહીં આવે અને હજી પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત રમાશે તો સહેજ પણ ચલાવી નહીં લેવાય સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને પણ અનેક વખત રજુઆત કરી છે પરંતુ કોઈ આ બાબતે ધ્યાન દોરવા તૈયાર નથી માત્ર તાયફાઓ કરવામાં જ રસ હોય અને લોકોના પ્રશ્નો હલ કરવામાં કોઈ રસ ન હોય તેવી વલણ દાખવી રહ્યા છે ત્યારે વાલીઓમાં રોશ ભભૂકી રહ્યો છે તેમજ વાલીઓ સાથેની વાતચીત દરમ્યાન વાલીઓનું કહેવું છે કે તંત્ર અને ચૂંટાયેલા પ્રતીનિધિઓ જો આ વિદ્યાલય કાર્યરત ના કરાવી શકે તો આગામી દિવસોમાં પરિણામ ભોગવવા તૈયાર રહે.