સોનેરી સુવાક્યો

v  સર્વ જીવો પર દયા રાખવી,જે કંઈ મળે તેનાથી સંતોષ માનવો અને સર્વ ઇન્દ્રિયો પર સંયમ કરવો. આથી ભગવાન તરત પ્રસન્ન થાય છે,કૃપા કરે છે.ઝેર ખાવાથી મનુષ્ય મરે છે પણ ઝેરનું ચિંતન કરવાથી મનુષ્ય મરતો નથી પણ વિષયો તો વિષથી પણ ખરાબ છે, વિષયો ભોગવ્યા ના હોય પણ તેના ચિંતનમાત્રથી મનુષ્યને મારે છે માટે તે વિષયોનો મનથી ત્યાગ કરી સર્વ ઇન્દ્રિયો પર સંયમ રાખવાનો છે.

v  ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ મિત્ર ચોર શઠ..સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી.ભક્તિમાં સર્વમાં સમભાવ રાખવાની શર્ત પહેલી છે.

v  ઘર છોડે એટલે જ ભગવાન મળે તેવું નથી.જેના મનમાં ઘર છે,સંસાર છે એ જ્યાં જાય ત્યાં સંસાર ઉભો કરે છે.મનુષ્યના છ શત્રુઓ વિકારો ચોરો એ જ્યાં જાય ત્યાં તેની પાછળ પડેલા છે.(કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર) જો આ શત્રુઓને વશ ન થઈને ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી.ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે અને આ કિલ્લામાં રહી શત્રુ સામે લડવું એ ઘણી વખત શાણપણ ભર્યું છે સુરક્ષાભર્યું છે.

v  લગ્ન કર્યા વગર તમારામાં રહેલી સૂક્ષ્મ વિકાર વાસનાનો નાશ થશે નહિ.થોડો વખત સંસાર સુખ ભોગવી તે પછી પરમાત્માનું આરાધન કરજો.

v  ભોગવેલી વસ્તુઓની અપેક્ષા રાખવી તેનું નામ આશા છે.ભોગવેલી વસ્તુને પુનઃપુનઃ યાદ કરવી તેનું નામ વાસના છે.આનંદમય પરમાત્મામાં બુદ્ધિને સ્થિર કરે તે બ્રહ્મનિષ્ઠ છે.

v  નારિયેરમાં કાચલી અને કોપરૂં જુદાં છે છતાં જ્યાં સુધી નારિયેરમાં પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.શરીર એ કાચલી છે, શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો છે અને પાણી એ વિષયરસ છે. જ્યાં સુધી વિષયરસ છે,આસક્તિ છે ત્યાં સુધી આત્મા શરીરથી છુટો પડતો નથી. છુટો પડવો કઠણ છે.જેનો વિષયરસ તપ, ભક્તિ અને જ્ઞાનની મદદથી સુકાઈ જાય તે જ આત્માને શરીરથી છુટો પાડી શકે. ખરો આનંદ શરીરમાં નથી.શરીર ચૂંથે આનંદ આવવાનો નથી.શરીરનું સુખ એ સાચું સુખ નથી,સાચો આનંદ નથી.શરીરનું સુખ એ મારૂં સુખ છે એમ જે માને છે તે અજ્ઞાની છે.

v  બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી.બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પદ-પ્રતિષ્ઠા-પૈસા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી.ખરો જ્ઞાની એ જ છે કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે. ઈશ્વર સિવાય સંસારના જડ પદાર્થોમાં પ્રેમ-સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી.

v  યોગવશિષ્ઠ રામાયણમાં જ્ઞાનની સાત ભૂમિકાઓ બતાવી છે.શુભેચ્છા,સુવિચારણા,તનુમાનસા, સત્વાપતિ,અસંશક્તિ,પદાર્થભાવિની અને તુર્યગા. (૧) શુભેચ્છા-આત્માના સાક્ષાત્કાર માટેની જે ઉત્કટ ઈચ્છા તે.. (૨)સુવિચારણા-ગુરૂનાં વચનોનો તથા મોક્ષશાસ્ત્રનો વારંવાર વિચાર તે.. (૩)તનુમાનસા-વિષયોમાં અનાસક્તિ અને સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા(સૂક્ષ્મતા) પ્રાપ્ત થાય તે.. (૪) સત્વાપતિ- ઉપરના ત્રણથી નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ તેને સત્વાપતિ કહે છે.આ ભૂમિકા વાળો બ્રહ્મવિત કહેવાય છે. (૫) અસંશક્તિચિત્ત વિષે પરમાનંદ અને નિત્ય બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કારરૂપ ચમત્કાર. (૬) પદાર્થભાવિની-પદાર્થોમાં દૃઢ અપ્રતિતી થાય છે તે. (૭) તુર્યગાબ્રહ્મને જે અવસ્થામાં અખંડ જાણે તે અવસ્થા (ઉન્મત્ત દશા)

v  રાજવૈભવ સુખ સંપત્તિ સ્ત્રી પુત્રાદિક આ બધું છે પરંતુ આંખ બંધ થાય ત્યારે આમાંનું કશું સાથે આવવાનું નથી.જન્મ પહેલાં અને મૃત્યુ બાદ કોઈ સગાં રહેવાના નથી,વચ્ચે માયા ભરમાવે છે.

v  જગતના કોઈ પદાર્થમાં એટલો સ્નેહ ન કરો કે જે સ્નેહ આસક્તિ બની પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે માટે ઘરમાં (કે આસપાસ) કોઈને પણ રાખજો પણ મનમાં કોઈને રાખશો નહિ. મનમાં બીજી વસ્તુ પ્રવેશે એટલે મનમોહન મનમાંથી નાસી જાય છે.

v  સંસારમાં નાવ (નાવડી-હોડી)ની જેમ રહેવું જોઈએ.નાવ પાણી ઉપર રહે તો તે તરે છે પણ જો નાવની અંદર પાણી આવે તો તે ડૂબી જાય છે તે પ્રમાણે તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ના રહેવો જોઈએ એટલે કે નિર્લેપપણે સંસારમાં રહો. આ શરીર નાવ છે, સંસાર સમુદ્ર છે અને વિષયો તે જળરૂપ છે. વિષયો શરીરમાં આવે તો તે સંસારમાં ડૂબી જાય છે.સંસારમાં રહેવું તે ખરાબ નથી પણ સંસારને મનમાં રાખવો તે ખરાબ છે.મનમાં રહેલો સંસાર રડાવે છે.મનમાં રહેલી મમતા બંધન કરે છે, મન મરે તો મુક્તિ મળે છે.બંધન મનને છે આત્માને નથી.. આત્મા તો સદા મુક્ત જ છે.

v  માત્ર ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ હશે તો ઈશ્વરભજનમાં વિક્ષેપ કરશે. જેને તપ કરવું હોય તે એકલો જ તપ કરે. વિચારે હું એકલો નથી મારા ભગવાન મારી સાથે છેઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ દુઃખી કરે છે.

v  જીવ માને છે હું બીજાનું રક્ષણ કરૂં છું પણ તે શું રક્ષણ કરવાનો હતો.જે પોતે પણ કાળનું ભોજન છે. જીવમાં જો રક્ષણ કરવાની શક્તિ હોત તો કોઈના ઘેર મરણ થાય જ નહિ.રક્ષણ કરનાર એક જ શ્રી હરિ છે.

v  સંસારમાં કપટ ન કરો તેવી જ રીતે અતિશય સરળ પણ ન બનો. પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે પણ સ્ત્રી પુરૂષ સંસાર કે જડ વસ્તુનું ધ્યાન ન કરો. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક વખત શત્રુ થાય છે.

 

વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી