• 300 થી વધારે આધાર પુરાવા વિનાના અનાજના બાચકા ભરેલ ટ્રક પકડાયો

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.17 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ખાતેથી સરકારી અનાજ ચોખા અને ઘઉં જે ગરીબ રેશનકાર્ડ ધારકો માટે આવે છે તે અનાજ બારોબાર વેચી નાખવાનો કાળો કારોબાર ચાલતો હોવાની આશંકા સેવાઈ રહી છે જેમાં ભાણવડ પોલીસએ આજે વહેલી સવારે વાહન ચેકીંગ ડ્રાઈવ દરમિયાન એક ટ્રકને રોકીને તપાસતા તેમાં સરકારી ગોડાઉન માંથી ભરેલ 300 થી વધારે ઘઉં અને ચોખાના બાચકા કોઈપણ જાતના આધાર પુરાવા વિનાના મળી આવ્યા હતા અને તે અંગે ટ્રક ચાલકને પૂછપરસ કરતાં ચાલક કોઈપણ જાતનો સંતોષકારક જવાબ આપી શક્યો નહી જેથી અનાજ સાથેનો ટ્રક જપ્ત કરીને આ અંગે પુરવઠા વિભાગને જાણ કરતાં તાકીદે ઇન્ચાર્જ જીલ્લા પુરવઠા અધિકારી અને પોલીસ વિભાગ માંથી ડી. વાય. એસ. પી. ભાણવડ ખાતે દોડી આવ્યા હતા. બાદમાં મામલતદાર દ્વારા પણ તાલુકા અને શહેરની સરકારી અનાજની દુકાનોના જથ્થા તપાસવા માટે સ્ટાફને દોડાવ્યો હતો. નાનકડા ખોબા જેવડા ભાણવડ માંથી વિશાળ ટ્રક ભરાઈને સરકારી અનાજ ચોરાઈ જતું હોય બારોબાર વેચાઈ જતું હોવાની બાબત ધ્યાન પર આવતા ઉચ્ચ અધિકારીઓ ચોક્કી ઉઠ્યા હતા અને સરકારી ગોડાઉનના મેનેજર અને ત્યાંથી પરિવહન કરતાં ઈજરેદારની પણ સઘન પૂછપરસ કરાઈ રહી છે. સરકારી ગોડાઉન અને તમામ સસ્તા અનાજની સરકારી દુકાનોના જથ્થાનું મેળવણું કરીને આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં ખુંટે છે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે સવારની બનેલ આ ઘટનાની રાત્રીના 10 વાગ્યાંથી મોડે સુધી તપાસ ચાલી રહી છે અને મળતી માહિતી મુજબ તમામના નિવેદન બાદ આ અંગે પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ કલમો તળે જવાબદાર અને ગુનેગારો વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવશે.


અગાઉ અનેક વખત ભાણવડના સરકારી અનાજના ગોડાઉન માંથી અનાજ સગેવગે કરીને બહાર બજાર માં ટ્રકો ભરીને વેચાતા હોવાની વાતો વહેતી થઇ હતી અને એ અંગે પુરવઠા વિભાગમાં ફરિયાદો પણ થઇ હતી.