હોસ્પિટલના ઉચ્ચાધિકારીઓ દોડ્યા, મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ: આરોપીઓ સામે યોગ્ય કલમો લગાવી કાર્યવાહી ન થાય તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની રેસિડેન્ટ તબીબોની ચીમકી: બેડ પરથી ઉઠવાનું કહેતા દર્દીના સગાએ રેસિડેન્ટ તબીબને માર મારી કાનનો પડદો ફાડી નાખ્યો: જામનગરની મેડિકલ કોલેજના પગથીયા પર બેસીને તબીબોએ રાત્રે વિરોધ નોંધાવ્યો

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરની જી. જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગના ઉપર આવેલા ટી.બી. વોર્ડમાં દાખલ દર્દીના સગા બાજુમાં આવેલા ખાટલા પર સૂતા હતાં ત્યારે બપોરના સમયે અન્ય દર્દી આવતા ડોકટરે આ દર્દીના સગાને ઉંઘમાંથી ઉઠાડતા સગાએ પિત્તો ગુમાવી ડોકટર પર હુમલો કરી દીધો હતો અને તેને ભારે માર મારતા વોર્ડમાં અફડા તફડી મચી જવા પામી હતી.

ઘટનાની જાણ થતાં જ સિકયુરીટી અને પોલીસ પણ દોડી ગઇ હતી પરંતુ દર્દીના સગાએ પોતાનો આપો મુકયો ન હતો. દરમિયાન હોસ્પિટલ અને કોલેજના ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતાં અને ડોકટરનું નિવેદન લઇ દર્દીના સગા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મંગળવારે બનેલી ઘટનામાં ત્રીજા વર્ષના ડોકટર રંજીત હિન્દીભાષી છે અને તેઓ સરખી રીતે ગુજરાતી બોલી પણ શકતા નથી, એટલે તેમણે ગેરવર્તન કર્યુ હોય તેઓ કોઇ સવાલ જ નથી. આ મામલે ડોકટરનું નિવેદન લઇ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.- ડોકટર નંદીની દેસાઇ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, ડીન.

રેસિડેન્ટ ડોકટર પર થયેલા હુમલાથી ડોકટરો ફરી વિફર્યા છે અને તેમણે પોતાની સુરક્ષાને લઇને ભારે ચિંતા વ્યકત કરતા ઉચ્ચ અધિકારીઓ તેમજ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તેમજ ડીનને રજૂઆત કરી છે, જેમાં અવાર-નવાર બનતી આવી ઘટનાથી તેઓ ખુબ જ અસુરક્ષિત મહેસુસ કરતા હોવાનું જણાવ્યું હતું. મોડી સાંજે ડોકટરનું ટોળું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયું હતું.

જી.જી. હોસ્પિટલના વોર્ડમાં રહેલા સીસી ટીવી કેમેરાની તપાસ થઇ રહી છે જેમાં આખી ઘટના કેદ થઇ હોવાનું સૂત્રો જણાવે છે. જે પછી જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી પુરાવા આપવામાં આવશે.

જામનગરની જીજી હોસ્પિટલમાં ગતરાત્રિએ દર્દીના સગાઓ દ્વારા એક રેસિડેન્ટ ડોકટર પર હુમલો કરી કાનનો પડદો ફાડી નખાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે હળવી કલમો લગાવતા તબીબોએ ભીનુ સંકેલવાનો આક્ષેપ કર્યો છે. આગામી ચોવીસ કલાકમાં આ મામલે યોગ્ય કલમો લગાવી આરોપીઓ સામે કડક પગલાં લેવામાં ન આવે તો રેસિડેન્ટ તબીબોએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

પલ્મોલોજી વિભાગમાં ફરજ બજવાત ડો. રણજીત મંગળવારે ફરજ પર હતા ત્યારે એક દર્દીના સગાઓ દર્દીના બેડ પર સૂતા હતા. જેથી ડોકટર રણજીતે દર્દીના સગાને ખાટલો ખાલી કરી દેવા જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા દર્દીના સંબંધીઓએ ડો. રણજીત પર હુમલો કરી કાનનો પડદો ફાડી નાખ્યો હતો. ડોકટર પર હુમલાની આ ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આ મામલે ભોગ બનનાર તબીબ દ્વારા ગતરાત્રિએ જ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મંગળવારે રાત્રે હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર સાથે થયેલી મારામારી બાદ આરોપીઓ સામે પોલીસ દ્વારા હળવી કલમો લગાવી હોવાનો રેસિડેન્ટ તબીબો દ્વારા આક્ષેપ કરાયો છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આરોપીઓ સામે કડક કલમો લગાવવા માગ કરવામાં આવી છે. જો આગામી 24 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન દ્વારા રેસિડેન્ટ તબીબ પર થયેલા હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. પોલીસ સીસીટીવીના આધારે ઝડપથી આરોપીઓને ઝડપી કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે. ડીને કહ્યું હતું કે, તબીબી શાખા માટે ખાસ કલમ છે તે કલમ આરોપીઓ પર લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા હુમલા અટકાવી શકાય.


જામનગરની જી. જી. હોસ્પિટલમાં મંગળવારે પલંગ પર સૂતેલા દર્દીના સગાને ઉઠાડવામાં આવતા તેણે તબીબ પર હુમલો કરી દીધો હતો. ​​​​​​​આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ વાયરલ થયા બાદ જામનગરના તબીબોમાં રોષની લાગણી ફેલાઇ હતી અને મંગળવારે મોડીરાત્રે એકઠા થઇ ગયેલા તબીબોએ એમ.પી. શાહ મેડિકલ કોલેજના પગથીયા પર બેસીને સામૂહિક મૌન વિરોધ નોંધાવ્યો હતો. અલબત્ત, મેડિકલ કોલેજના પગથીયા પર તેમનો આ મૌન વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે રાત્રીના 10.45 કલાકે સીટી-બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં દર્દીના હુમલાખોર સગા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ ચાલી રહી હતી.