અધિકારીઓની સમજાવટ બાદ યુવતીના લગ્ન ૧૮ વર્ષ પછી કરવા સહમતી દર્શાવતા વડીલો: બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ જેમાં બે વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ એક લાખ સુધીના દંડની જોગવાઇ

જામનગર મોર્નિંગ- જામનગર  


સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે ફરીથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા તા.૦૭-૦૬-૨૦૨૨ના રોજ કાલાવડ (શીતળા) ખાતે બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ એ મે માસમાં પણ બે બાળ લગ્ન થતા અટકાવ્યા હતા જયારે જુન માસની શરૂઆતમાં જ કાલાવડ તાલુકામાં એક્શનમાં આવી અસરકારક કામગીરી કરી બાળ લગ્ન થતા અટકાવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે જામનગર જિલ્લાના કાલાવડ (શીતળા)માં યોજાઈ રહેલા લગ્ન બાળ લગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ, અને કાલાવડ ટાઉનના પોલીસ સ્ટેશનમાં થી પી.આઈ. યુ. એચ. વસાવાની ટીમ કાલાવડ (શીતળા) ગામ ખાતે પહોંચી હતી અને ૧૭ વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવી અને કાયદાકીય જાણકારી આપી દીકરી પુખ્તવયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા પરિવારજનોને સમજણ આપેલ હતી. 


ઘટના સ્થળે ૧૮ વર્ષથી નીચેની ઉમરની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ તેમના માતા-પિતાને સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. જામનગરના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીના સમજાવ્યા બાદ સગીરાના માતાપિતા માની ગયા હતા. તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. જ્યારે યુવતીની ઉંમર ૧૮ વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. આમ જામનગર સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. સમાજ સુરક્ષા વિભાગ ટીમે લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ  તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો. આ કામગીરીમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ડૉ. પ્રાર્થના બેન સેરશીયા, ચીફ ઓફિસર શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારી જ્યોત્સનાબેન હરણ અને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી યુ.એચ.વસાવાની ટીમ દ્વારા કરવામાં આવેલ ત્વરીત કામગીરીને લીધે બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી.


બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરુદ્ધ જેમાં ૦૨ વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા ૦૧ લાખ સુધીના દંડની જોગવાઇ


બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ જોઇએ તો સગીર વયના યુવક/યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક/યુવતી સહિત તેમના માતાપિતા કેવાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ/બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને, આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર ૦૨ વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા ૦૧ લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.


બાળ લગ્ન થતા અટકાવવા શું કરવું?

સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર /આપના સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે અથવા થાય છે તેવી આપને જાણ મળે તો તે બાબતે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી (૦૨૮૮-૨૫૭૦૩૦૬), જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી (૦૨૮૮-૨૫૭૧૦૯૮), ચાઈલ્ડ હેલ્પ લાઈન (૧૦૯૮) પર આપ લેખિત ટેલીફોનીક જાણ કરી શકો છો. જેથી સમાજમાં બાળ લગ્ન નાબુદ કરવા માટે સહીયારો પ્રયાસ અને કામગીરી થઇ શકે.