જામનગર મોર્નિંગ- જામનગર 


અધિક જીલ્‍લા મેજીસ્‍ટેટ મિતેશ પંડ્યા, જામનગરને મળેલ સતાની રૂએ હુકમ કરેલ છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલ ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલ ટેક્ષ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકાપર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા રાજ્ય સરકારે નક્કી કરેલ ટોલ ટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તે અંગેનુ કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.

આ ઉપરાંત, ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલ જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે.

રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાંઓથી જે વાહનોને ટોલટેક્ષ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાંની જોગવાઈ લાગુ પડશે નહિ. જે હુકમ આગામી તા. ૧૫ જુલાઈ સુધી અમલમાં રહેશે તેવું અધિક જીલ્‍લા મેજીસ્‍ટેટ મિતેશ પંડ્યાની એક યાદીમાં જણાવાયું છે.