રૂ. ૩૦.૧૩ લાખના ખર્ચે હમાપરમાં ૪ ચેકડેમ અને રામપર ગામમાં રૂ. ૧૭ લાખના ખર્ચે ૧ ચેકડેમ તેમજ ૧ તળાવનું નિર્માણ કરવામાં આવશે

જામનગર મોર્નિંગ - જામનગર 


રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના વાંકિયા, હમાપર અને રામપર ગામે તળાવો અને ચેકડેમોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વાંકિયા ગામે છેલ્લા અનેક સમયથી અટવાયેલા રૂ. ૩૧.૬૪ લાખના વિકાસ કાર્યો આખરે મંજુર થવાથી જયારે ચેકડેમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે કિંમતી વરસાદી પાણીનો સંગ્રહ થતાં ખેડૂતો સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરી શકશે.


કૃષિમંત્રીએ વિવિધ ચેકડેમ અને તળાવોના ખાતમુહર્ત પ્રસંગે જણાવ્યું હતું કે આગામી સમયમાં નિર્માણ પામનારા આ ચેકડેમોથી વરસાદી પાણીનો સંગ્રહ ખુબ સારી રીતે થશે. જામનગર દરિયાકિનારાનો વિસ્તાર હોવાથી અહીંયા મીઠા પાણીની ખુબ અછત જોવા મળે છે, ત્યારે નિર્માણાધીન ચેકડેમના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થતાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને પણ સિંચાઇના પાણીનો તેમજ પાણીના નવા નવા સ્ત્રોત બનતા લોકોને પીવાના પાણીનો લાભ પણ મળશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોની આવક બમણી કરવાની નેમને સાકાર કરવા કૃષિલક્ષી અનેક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જામનગરનાં ગામડાઓમાં ચેકડેમ અને તળાવોના નિર્માણ થવાથી સંગ્રહ થયેલા વરસાદી પાણીનો ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકશે જેના પરિણામે સારો પાક થવાથી આવકમાં પણ વધારો થશે. આ ઉપરાંત, શિયાળુ પાકમાં પણ ખેડૂતોને ખુબ ફાયદો થશે. ભારત દેશમાં અત્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા મહાન નેતાઓનું શાસન છે ત્યારે આવી વિભૂતિઓ સદીઓમાં એકવાર જ જન્મ લેતી હોય છે. 


વિવિધ ખાતમુહર્તના પ્રસંગે ઠેર-ઠેર કૃષિમંત્રીનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂતો તેમજ અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

પંચાયત સિંચાઈ વિભાગ જામનગર હેઠળ અત્યારે રૂ. ૩.૭૮ કરોડના ૪૦ જેટલા વિકાસ કામો પ્રગતિ હેઠળ છે. ધ્રોલ તાલુકાના હમાપર ગામ ખાતે રૂ. ૩૦.૧૩ લાખના ૪ વિકાસ કાર્યો મંજુર થયા છે જે હેઠળ ૪ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવશે. ધ્રોલ તાલુકાના અન્ય ગામ વાંકિયા ખાતે રૂ. ૩૧ લાખના ખર્ચે ઊંડ નદીના કાંઠે ૧ એફ.પી. બંડ અને ૧ ચેકડેમનું નિર્માણ કરવામાં આવશે. તેમજ જામનગર તાલુકાના રામપર ગામમાં રૂ. ૧૭ લાખના ખર્ચે ૧ ચેકડેમ અને ૧ તળાવનું નિર્માણ કરવામાં આવશે. 


આ ઉપરાંત જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના રૂ. ૩.૪૫ કરોડના કુલ ૪૨ જેટલા વિકાસ કાર્યોની મંજૂરીની પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે. તેમજ પંચાયત સિંચાઈ વિભાગ જામનગર હેઠળ રૂ. ૮.૮૨ કરોડના હાલ ૧૧૦ જેટલા વિકાસ કાર્યો ટેન્ડર સ્ટેજ હેઠળ છે. 

હમાપર ગામના ખાતમુહર્ત પ્રસંગે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ખાંટભાઈ, હમાપર ગામના સરપંચ લક્ષ્મીબેન રાઠોડ, માજી સરપંચ કેશુભાઈ શિયાર, ઉપ સરપંચ ભગતભાઈ, તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન શિયાર, બીજલભાઈ મંઠ ઉપસ્થિત રહયા હતા. જયારે વાંકિયા અને રામપર ગામના ખાતમુહર્ત પ્રસંગે સરપંચ રમેશભાઈ, ધ્રોલ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ જેન્તીભાઇ કગથરા, દેવકરણભાઈ, પ્રભુલાલભાઇ, ભરતભાઈ, ભીમજીભાઈ મકવાણા, અરવિંદભાઈ તેમજ અન્ય પદાધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.