જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૪ : જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઈપ લાઈન , વિવિધ કેબલ માટેની લાઈનો અન્ડર ગ્રાઉન્ડ પાથરતી વખતે શહેરના રસ્તાઓ અને રસ્તા કાઠે નહેર અને ખાડાઓ ખોદવામાં આવે છે. આવા કામો જયારે શહેરના વિકસિત વિસ્તારોમાં કરવામાં આવતા હોય છે ત્યારે ત્યાં કામ થઇ ગયા બાદ તે નહેર કે ખાડાઓ બુરાણ કરીને ઉપર પેચ વર્ક કરી નાખવામાં આવે છે. 

પરંતુ જયારે આવા ખાડા શહેરના પછાત વિસ્તારોમાં કરવામાં આવતા હોય ત્યારે ત્યાં કામ કરતા કોન્ટ્રકટર કે પાલિકા તંત્ર બેજવાબદાર બની જતું હોય છે શહેરના અનેક પછાત વિસ્તારો માં આવી ફરિયાદો ઉઠી રહી છે કે કામ થઇ ગયા બાદ પણ નહેર કે ખાડા યોગ્ય રીતે બુરવામાં કે પેચવર્ક કરવામાં આવતું નથી. આવો જ એક બનાવ શહેરના વોર્ડ નંબર – ૧૧ ગુલાબનગર વિસ્તારમાં બન્યો છે જ્યાં ભૂગર્ભ ગટર, કેબલ અને પાણીની પાઈપ લાઈન નાખવા માટે ખાડાઓ કરવામાં આવ્યા છે પણ કામ થઇ ગયા બાદ પણ આ ખાડા પર બુરાણ કે પેચવર્ક કરવામાં આવ્યું નથી અને વધુમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે કામ કરતી એજન્સીને પુછાતા તેઓએ જણાવ્યું કે પેચવર્ક કરવાનું અમારે નથી આવતું ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ખાડા ખોદવામાં તમારા માં આવે છે તો કામ પત્યા બાદ ખાડા બુરવા અને પેચવર્ક કરવાનું કોનામાં આવે છે તે અમોને જણાવવું જોઈએ. આ વાત પરથી લાગે છે કે મહાનગર પાલિકા અને તેની અંદરમાં કામ કરતી એજન્સીઓ ખાડા ખોદવામાં પાવરધા છે પણ તેમાં પેચવર્ક કરવા બુરાણ કરવામાં બેદરકાર અને બેજવાબદાર બની રહ્યા છે.