ભરત હુણ 

જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૧ : લોકશાહી અને પ્રજાસત્તાક એવા ભારત દેશમાં આર્થિક સામાજીક રીતે સધ્ધર અને સુરક્ષિત હોય તો તે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ છે. પ્રજાસત્તાકનું વહીવટ તંત્ર આખું આ કર્મચારીઓ અને અધિકારીઓના હાથમાં હોય છે. આપણે ભારત કરતા અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વીતેલા ઘણા સમયથી સરકારમાં કાયમી કર્મચારી તરીકે સેવા આપતા નોકરીયાત વર્ગ ગ્રેડ પે , પ્રમોશન , બદલી જેવી બાબતો મૂળે પગાર વધારા માટે આંદોલન પર ઉતરી રહ્યા છે ગુજરાતમાં કર્મચારીઓને સામાન્યત રીતે ૨૦ થી ૫૦ હજાર રૂપિયા સુધીના પગાર મળી રહ્યા છે. મધ્યમ વર્ગને ઘર ચલાવવા માટે અત્યારે પ્રાથમિક ધોરણે ૧૦ હજાર રૂપિયા આવક હોય તો ચાલ્યું જાય એવું માની શકાય છે છતાં ૨૦ હજાર પગાર ધરાવતા કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાળ કરે તે સરકાર કરતા સામાન્ય માનવીને વધુ કઠવું જોઈએ. 


ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લાખો લોકો ૫ હજારથી ૧૦ હજાર રૂપિયા મહિનાના વેતને નોકરી કરી રહ્યા છે. વેતન કરતા ક્યાય વધુ ધોરણે કામ કરી રહ્યા છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મોઢે ફીણ આવી રહ્યા છે છતાં જીંદગી આમ જ હોય છે એમ સમજીને દિવસો પસાર કરી રહ્યા છે ત્યારે તેનાથી ખુબ સારી અને સુરક્ષિત મોભાદાર નોકરી કરતા લોકો પગાર વધારાની માંગ કરતા હોય તો તેમણે આવા સામાન્ય લોકોનું પણ જોવું જોઈએ જે મહીને ૫ થી ૧૦ હજારમાં નોકરી કરે છે. તમને ૨૦ થી ૫૦ હજાર પગાર ઓછો પડતો હોય તો આમને ૫ – ૧૦ હજારમાં કેમ પૂરું થતું હશે એ લોકો લાખોની સંખ્યામાં છે એ જો રસ્તા પર ઉતર્યા પગાર વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા તો એનો જવાબ સરકાર પાસે નહી હોય , સરકારના અધિકારીઓ કે કર્મચારીઓ પાસે પણ નહી હોય.