કૌટુંબિક ભત્રીજો મુદામાલ સાથે મુંબઈ નાસી જાય તે પહેલાં ઝડપાયો

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં આવેલ રણજીત રોડ લંઘાવાડનો ઢાળિયો બાજરિયા બ્રધર્સ વાળી શેરીમાં થયેલ રૂ. 5 લાખની ચોરીનો ભેદ સીટી બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી મુદામાલ રિકવર કરી ચોરી કરનાર કૌટુંબિક ભત્રીજાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ રણજીત રોડ લંઘાવાડનો ઢાળિયો બાજરીયા બ્રધર્સ વાળી શેરીમાં રહેતા હારુનભાઈ ઉર્ફે અલુ સુલેમાન આંબલિયાના ઘરમાં બે દિવસ પહેલા રૂ. પાંચ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.


જ્યારે સીટી બી ડીવીઝનના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ સોઢાને બાતમી મળતા રૂ. 5,00,000ની ચોરી કરનાર સરફરાજ હુશેન આંબલિયા નામના શખ્સને ગણતરીના કલાકમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ચોરી કરનાર શખ્સ ફરિયાદીનો કૌટુંબિક ભત્રીજો થતો હોય અને વિક્ટોરિયા પુલ પાસેથી ખાનગી બસમાં મુંબઈ નાસી જવાનો હોય ત્યારે સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈ તલાસી લેતા પોતાના થેલામાં રાખેલ પર્સમાં રોકડ રૂ. 5,00,000 અને ચોરીમાં ગયેલ આધારકાર્ડ અને પાનકાર્ડ રીકવર કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ કે. જે. ભોંયે, પીએસઆઈ ડી. એસ. વાઢેર તથા સ્ટાફના એ. એસ. આઈ. હિતેશભાઈ ચાવડા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ રાણા અને વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી