• અરજદારો પોતાના કામ માટે ધક્કા ખાઈને ચપ્પલ ઘસી નાખે છતાં ફાઈલો અભેરાઈથી ઉતરતી નથી.
મોર્નિંગ Exclusive
ભરત હુણ 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાની મહેસુલી કચેરીઓમાં ફાઈલોનો નિકાલ કરવા અને દબાવી રાખવા માટેની અનેક મોનોપોલી ચાલતી આવે છે જે જનહિતમાં બંધ થવી જોઈએ અને જીલ્લા કલેકટરએ સમયાંતરે થતી આર. ઓ. મિટિંગ અને સંકલનની મિટિંગમાં કચેરી વાઇસ કામગીરીનું મૂલ્યાંકન, ચકાસણી અને સમીક્ષા કરવી જોઈએ.


દેવભૂમિ દ્વારકા જીલ્લાની મહેસુલી કચેરીઓમાં વહાલા દવલાની નીતિ સાથે મોનોપોલી ચાલતી હોવાનો સુર ઉઠ્યો છે. મહેસુલી કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર કોના કામ વહેલા કરવા અને કોના પાછળ તે નક્કી કરતાં હોવાનું પણ અગાઉ ધ્યાન ઉપર આવતા અરજદાર દ્વારા છેક મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરતાં રાતોરાત દોડતા જવાબો અપાયા હતા.


દેવભૂમિ દ્વારકા જીલ્લાની મહેસુલી કચેરીઓમાં અરજીઓ ક્રમ પ્રમાણે ચાલવાના બદલે વ્યક્તિના ક્રમ પ્રમાણે ચાલતું હોય તેવું આધારભુત સૂત્રો જણાવી રહ્યા છે સમયમર્યાદા વીત્યા બાદ પણ અનેક અરજીઓ પડતર રહી જાય છે તો અનેક અરજીઓના જવાબ પણ અરજદારોને અપાતા નથી.  ભાણવડ મામલતદાર કચેરીઓનો એક કિસ્સો અરજદારએ જણાવ્યો કે તેમણે કુવા માટે બે ગુઠા જનીનની માંગણી માટેની અરજી કરી હતી ઘણા સમય સુધી પ્રત્યુત્તર ના મળતાં અરજદાર કચેરીએ ત્રણ ચાર ધક્કા ખાઈ આવ્યો ત્યારે જવાબ મળે કે પ્રક્રિયા ચાલુ છે જે કંઈ થશે તેનો જવાબ તમને મળી જશે બાદમાં તપાસ કરતા તેમની અરજી ઘણો સમયથી દફ્તરે કરી દીધી અરજી દફ્તરે કરી તેની નકલ અરજદારને મોકલી તેવું કાગળ પર દર્શાવ્યું ખરેખર અરજદારને ટપાલ મળી નહી આવુ જ બીજા એક એકત્રિકરણના કિસ્સામાં થયું અરજદારની અરજી દફ્તરે કરી દીધી કાગળ ઉપર બતાવ્યું કે અરજદારને જાણ કરી પણ ખરેખર ટપાલ મોકલાઈ નહી આવા અનેક લોલમલોલ કાર્યો મહેસુલી કચેરીઓમાં ચાલતા હોવાનું આધારભુત સૂત્રો જણાવી રહ્યા છે જીલ્લા કલેક્ટર આર. ઓ. મિટિંગ કે સંકલનની મિટિંગમાં આવા મુદ્દા પર રેકર્ડ સાથે સમીક્ષા કરે તો અનેક અરજદારો પોતાના કામ માટે કચેરીએ ધક્કા ખાઈ ખાઈને ચપ્પલ ઘસી નાખ્યા હોવા છતાં સામાન્ય બાબતે અરજીઓ પડતર રાખે છે અથવા દફ્તરે કરી નાખે છે તે બાબત ઉપરી અધિકારીઓના ધ્યાન પર આવે તેમ છે.