નગરજનો દ્વારા ચોમેરથી ટ્રસ્ટના આ સેવાયજ્ઞ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં ગૌવંશમાં તીવ્ર ઝડપે ફેલાયેલા લમ્પી વાયરસ સામે અબોલ પશુઓને રક્ષણ આપવા શ્રી હરિદાસ જીવણદાસ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે શહેરમાં મોબાઈલ એનીમલ ડિસ્પેન્સરી ઔષધયુક્ત વીસ હજારથી વધુ લાડવા, પશુઓ માટે પીવાનું ઔષધ સાથે બે વેટરનરી ડોકટર સાથે શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તા. 1-8-2022 થી સેવા શરૂ કરવામાં આવેલ હતી. જેમાં 500 થી વધુ ગૌવંશની સારવાર કરવામાં આવેલ. જેના અનુસંધાને 125 થી વધુ કમ્પલેઈન નં. 9106419989 પર આવેલ અને આ સેવા અવિરત ચાલુ છે.


શહેરમાં ગૌવંશને લપેટમાં લઈ રહેલા આ વાયરસ સામે પશુઓને સુરક્ષા કવચ મળી રહે તેવા ઉદ્દેશ સાથે લાલ પરિવારના આ બંને ટ્રસ્ટો દ્વારા ઔષધયુક્ત લાડવા બનાવીને ગૌવંશને ખોરાક તરીકે શહેરના વિસ્તારોમાં વીસ હજારથી વધુ લાડવા આપવામાં આવ્યા હતા તેમજ શહેરના પ્રજાજનોને એનીમલ મોબાઈલ ડિસ્પેન્સરીનો હેલ્પલાઈન નંબરની જાણ કરવામાં આવતા શહેરના અસંખ્ય પ્રજાજનોએ પોત પોતાના વિસ્તારમાં લમ્પી વાયરસગ્રસ્ત ગાયોને સારવાર આપવા માટે જાણ કરવામાં આવેલી અને આ ટ્રસ્ટના મોબાઈલ વાન દ્વારા તુરંત જ જે તે વિસ્તારોના નાગરીકોના ફોન પર મળેલ સૂચના મુજબ લમ્પી વાયરસગ્રસ્ત ગૌ માતાઓને સારવાર આપવામાં આવેલી જેમાં બે વેટરનરી ડોકટર દ્વારા અસરગ્રસ્ત ગૌવંશને ફટકડીવાળા ઔષધિય પાણીથી સ્નાન કરાવવામાં આવેલ સાથે સાથે સાકરનું પાણી પીવડાવવામાં આવેલ તેમજ લમ્પી વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન આપી ઔષધયુક્ત લાડુનું વિતરણ કરવામાં આવેલ. જેમાં માલધારી સમાજ, રબારી સમાજ તથા પશુપાલકોના 100થી વધુ કાર્યકરોએ દોઢ માસ સુધી સેવા આપેલ.


આ સેવાકીય કાર્યથી જામનગર શહેરના પ્રજાજનો દ્વારા આ ટ્રસ્ટને ટેલિફોનિક અભિનંદન પાઠવવામાં આવેલ અને ગૌવંશને બચાવવાના આ સેવાકીય કાર્યની સરાહના કરવામાં આવેલ. ઉપરોક્ત બાબતે સંસ્થાના હેલ્પલાઇન નંબર પર નગરજનોએ પોત - પોતાના વિસ્તારની લમ્પી વાયરસગ્રસ્ત ગાયોની જાણકારી આપેલ અને ગૌવંશને બચાવવામાં મદદ કરેલ તેવા તમામ નગરજનોનો એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટના જીતુભાઈ લાલે આભારની લાગણી વ્યક્ત કરેલ છે.