જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડ તાલુકાના કાટકોલા ગામ માંથી અવારનવાર જુગારના અખેડા ચાલતા હોય તેવી ચર્ચાઓ વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા પોલીસવડા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજુઆત કરીને ગામમાંથી દારૂ જુગારની બદી દૂર કરવા તેમજ આવા અનૈતિક ધંધા સાથે સંકળાયેલ લોકો સામે સખત પગલાં ભરવા માટે માંગ કરાઈ છે. જો કે રજુઆતના થોડા કલાકો બાદ જ પોલીસએ આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ કાટકોલા ગામ ભાણવડ તાલુકા મથકથી 18 કિલોમીટરના અંતરે આવેલું 3216 ( સને 2011 ની વસ્તી ગણતરી મુજબ ) ની વસ્તી ધરાવતું ગામ છે . ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખેતમજુરી છે . કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ ગામની પરિસ્થિતિ એકંદરે સારી છે . પરંતુ , છેલ્લા થોડા સમયથી શરૂ થયેલા દારૂ- જુગારના દુષણમાં આ વિસ્તારના આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના લોકોને ફસાતા અને બેહાલ થતા અટકાવવા માટે અને આર્થિક રીતે પાયમાલ થતા અટકાવવા માટે આ વિસ્તારમાંથી દારૂ- જુગારની બદીને સદંતર ડામવા માટે આપ સાહેબશ્રીનું ખાસ ધ્યાન દોરવા આ રજુઆત કરવાની અમોને ફરજ પડી રહી છે . દારૂ અને જુગારની પ્રવૃતિ એ કોઇપણ સભ્ય સમાજ માટે કોઈપણ રીતે અને કોઇપણ સમયે ઇચ્છનિય નથી . અને કોઇપણ સંજોગોમાં સ્વિકાર્ય નથી જ . એ નિર્વિવાદ હકિકત છે , અને આ દુષણને કારણે હસતા- રમતા અને શાંતિપુર્ણ રીતે જીવન વ્યતિત કરતા કેટલાયે પરિવારો પાયમાલીની ગર્તામાં ધકેલાય ગયાના અનેક કિસ્સાઓ છાસવારે સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળે છે . તેથી આ વિસ્તારની મહેનતકશ પ્રજા આવા ભયંકર દુષણની ઝપેટમાં ન આવે તે માટે તેનો જડમૂળ માંથી નાશ કરવો જરૂરી છે . કાટકોલાના વાડી વિસ્તારોમાં થોડા સમયથી જુગારના અડ્ડાઓ ધમધમતા થયાનું લોકમુખે ચર્ચાય છે . ગંજીપાનો જુગાર , વરલી મટકાના આંકડાનો જુગાર , યાંત્રિક મશીનથી રમાતો જુગાર , ચલણી નોટોના નંબરથી રમાતો જુગાર વિગેરે અવનવા સ્વરૂપે આ દુષણ બિન્ધાસ્ત રીતે ચાલુ થયું છે . ભૂતકાળમાં અનેક વખત કાટકોલા વિસ્તારમાં જુગારની ક્લબો પર પોલીસ ખાતા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે . ત્યારે થોડા સમય પુરતી આવી અસામાજિક પ્રવૃતિઓ બંધ કરીને ધૂર્ત લોકો ભોંભીતર થઇ જાય છે . ફરીથી આવા અનિષ્ટ અને નઠારા તત્વો સક્રિય થઇ જાય છે . ભૂતકાળમાં પોલિસના દફતરે જુગાર રમતા / રમાડતા નોંધાયેલા લોકો અને અન્ય લોકોએ સમાજ અને કાયદાની ઐસીતૈસી કરીને જુગારના અડ્ડા ચલાવવાનું ચાલુ કર્યુ હોય તેમ જણાય છે . આવા ભારાડી અને માથાભારે શખ્સો સામે કાયદાનું ખાસ બ્રહ્માસ્ત્ર વાપરીને તેમને કાયદાનું ભાન કરાવવવું જરૂરી છે , જેથી ગામમાં સુલેહ શાંતિ અને સલામતિ જળવાઇ રહે અને લોકોમાં પોલિસની કામગીરી પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઉત્પન્ન થાય . ઉપરોકત હકીકત ધ્યાને લઇ કાટકોલા વિસ્તારમાંથી દારૂ અને જુગારની પ્રવૃતિની સદંતર નાબૂદી માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને વારંવાર આવી અસામાજિક પ્રવૃતિ કરતા લોકોમાં પોલીસનો ખૌફ સ્થાપિત થાય એ માટે ઘટિત કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
0 Comments
Post a Comment