ફલ્લાની એક વિદ્યાર્થીની અને સુરતનો એક શખ્સ ઝડપાયા: જામનગર-રાજકોટ અને વલસાડના ચાર નાગરિકો પાસેથી લોન અપાવી દેવાના બહાને નાણાં ખંખેરી લીધાની કબુલાત

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરની સાઇબર ક્રાઈમ સેલ ની ટીમ દ્વારા વધુ એક અસરકારક કામગીરી કરવામાં આવી છે, અને ઓછા સીબીલ હોવા છતાં વ્યાજ લોન અપાવી દઈ લોકો પાસેથી નાણાં ખંખેરતી એક ટોળકી ના મહિલા સહિતના બે સભ્યોને ઝડપી પાડ્યા છે, અને બંનેની પૂછપરછ દરમિયાન તેઓએ જામનગર, રાજકોટ અને વલસાડના ચાર નાગરિકોને સીસામાં ઉતારી દીધાનું જાણવા મળી રહ્યું છે.

મળતી વિગત મુજબ જામનગરની સાયબર સેલ ની ટીમના પોલિસ ઇનસ્પેક્ટર પી.પી. ઝા તેમજ તેમની ટીમ દ્વારા લોકોને સોશિયલ મીડિયા ના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી કરનારા તત્વોને શોધી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી.


દરમિયાન કેટલાક ટોળકીના સભ્યો દ્વારા ઓછા સીબીલ સ્કોર છતાં પણ સસ્તા વ્યાજદરે લોન અપાવી દેવા ના બહાને લોકોને શિકાર બનાવતા ચિટરો ને પકડી પાડવા માટે વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહીને અભ્યાસ કરતી જાનકીબેન ઉર્ફે ઇશિકા રવજીભાઈ ધમસાણીયા, કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને છેતરીને નાણા પડાવતી હોવાનું ધ્યાનમાં આવતાં ફલ્લા ગામમાંથી તેણીની અટકાયત કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત મૂળ સુરત ના અમરોલી વિસ્તારમાં રહેતો અને હીરા ઘસવાનું કામ કરતો વિરલ ઉર્ફે રહીશ જગદીશભાઈ સિધ્ધપુરા કે જે પણ ઓનલાઇન ફ્રોડ કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.


જેણે પણ કેટલીક બોગસ બેંકના પેજ ડેવલપ કરી લોકોને છેતરવાનું કામ કરી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેનું મોબાઈલ ટાવર લોકેશન રાજકોટનું મળ્યું હોવાથી સાઇબર શેલની ટીમે રાજકોટમાંથી તેને પણ ઉપાડી લીધો હતો, અને જામનગર લઈ આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન બન્ને ઓછા સીબીલ સ્કોર છતાં સસ્તા વ્યાજના દરે લોન અપાવી દેવાનો કારસો રચતા હતા, અને લોન મેળવનાર વ્યક્તિ પાસેથી લોન ની પ્રોસેસિંગ ફી પેટે 19,850 ની રકમ ઓનલાઈન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ ત્યારબાદ લોન આપતા ન હતા.


આવી ફરિયાદ પણ જામનગરની સાઈબર ક્રાઇમ સેલ ની ટીમને મળી હતી. જેની તપાસ દરમિયાન જામનગરના બે વ્યક્તિ, એક વલસાડના તેમ જ એક રાજકોટના નાગરિક સહિત ચાર લોકો છેતરપિંડીના શિકાર બની હોવાનું સામે આવ્યું છે. પોલીસની વધુ તપાસ દરમિયાન તેઓએ જયપુર બેંક લિમિટેડ, પ્રગતિ ફાઈનાન્સ, આર્યા સ્મોલ ફાઈનાન્સ, રાજ ફાઇનાન્સ, વિકાસ ફાઇનાન્સ સહિતના જુદી જુદી કંપનીના બોગસ પેજ તૈયાર કર્યા હતા, અને તેના માધ્યમથી લોન ના બહાને લોકોને છેતરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઉપરોક્ત ટોળકી ના જામનગર શહેર જિલ્લાના વધુ કોઈ વ્યક્તિ ભોગ બન્યા હોય તો તેઓએ જામનગરની સાબર ક્રાઈમ સેલ નો સંપર્ક સાધવા જણાવાયું છે.