જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.૨૧ : શહેરમાં ઢોર રાખવા માટે લાઈસન્સ લેવું, જો ઢોર જાહેર રસ્તાઓ પરથી ઝડપાઈ તો વિવિધ દંડ અને ગુનાની જોગવાઈ સાથે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો બનાવવામાં આવ્યો હતો જયારે કાયદો વિધાનસભામાં રજુ કરવામાં આવ્યો ત્યારેજ વિરોધ પક્ષે આ અંગે ચર્ચા કરવા જણાવ્યું હતું પણ સરકારે સત્તા અને બહુમતીના જોરે કાયદો પસાર કર્યો હતો.

ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં પસાર થતા માલધારી સમાજ તેના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યો છે અનેક સંમેલન અને સભાઓ કરવામાં આવ્યા છે જે બાદ સરકારએ આ કાયદો રદ કરવા માટેની જાહેરાત કરી હતી છતાં પણ જ્યાં સુધીમાં કાયદો રદ કરવાનો લેખિતમાં પત્ર ના મળે ત્યાં સુધી માલધારી સમાજ મક્કમ થઈને સરકાર સામે લડત આપી રહ્યો છે જેના ભાગ રૂપે આજે ગુજરાતમાં દૂધ બંધની જાહેરાત કરતા દેકારો છૂટી ગયો હતો. અને ગુજરાત વિધાનસભાના બે દિવસના મળેલા ટુકા સત્રના પ્રથમ દિવસે જ ઢોર નિયંત્રણનો કાયદો રદ કરવામાં આવ્યો છે.માલધારી સમાજની ૧૧ માંથી એક માંગ સ્વીકારી છતાં હજુ ૧૦ માંગણીઓ પડતર !

ઢોર નિયંત્રણ કાયદો રદ કરવો, ગીર બરડા અને આલેચના માલધારી સમાજના આદિવાસીના હક્કો યથાવત રાખવા, ૧૦૦ પશુ દીઠ ૪૦ એકર ગૌચર નિયમો મુજબ આપવું, સહકારી ક્ષેત્રમાં માલધારીઓને મતદાનનો અધિકાર આપવો, માલધારીઓને ખેડૂત ખાતેદાર તરીકેની માન્યતા આપવી આવી કુલ ૧૧ માંગો માંથી સરકારએ પ્રથમ માંગ ઢોર નિયંત્રણ કાયદો રદ કરી દીધો છે છતાં હજુ ૧૦ માંગણીઓ પડતર છે જેથી માલધારી સમાજનું આંદોલન હજુ આગામી સમયમાં યથાવત રહેશે તેવું આંદોલન કારીઓ એ જણાવ્યું છે.