શંકરસિંહ કોંગ્રેસમાં ફરી કે પછી બનાસ ડેરી કેસમાં સમન્સ અંગે જવાબ આપશે?

જામનગર મોર્નિંગ - જામનગર


કોંગ્રેસમાં ભળી જવાની અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મંગળવારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયા સાથે એક પત્રકાર પરિષદ કરવાના છે.



ગુજરાતમાં ભાજપ સામે બળવો કરી, પોતાની સરકાર બનાવનાર શંકરસિંહ વાઘેલા લાંબો સમય સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ૨૦૧૭માં અલગ થઈ ગયા હતા. પોતાની જનશકિત પાર્ટી વતી ચૂંટણી લડવાની જાહેરાત પછી અપક્ષ ઉમેદવારોને ટેકો આપી મત મેળવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. હવે ૨૦૨૨માં ચૂંટણી ફરી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં જોડાવાનો તેમણે એક થી વધુ વખત સંકેત આપ્યો છે.

આ ઉપરાંત, શંકરસિંહ રાજ્ય સરકારની કામગીરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સખત ટીકા પણ કરતા આવ્યા છે.


આ સ્થિતિમાં કોંગ્રેસ તરફથી આજે મોકલવામાં આવેલા એક નિમંત્રણમાં વાઘેલા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા સાથે પત્રકાર પરિષદ કરવાના છે એવી જાણ કરી આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણથી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે એવી વાતોએ વેગ પકડ્યો છે.

એવી વાત પણ ચાલી રહી છે કે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન કે જેમની સામે કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ છે એ કેસ મામલે પણ બન્ને નેતાઓ વાત કરી શકે છે. બન્ને નેતાઓને આ કેસમાં નિવેદન આપવા માટે તા.૬ ઓકટોબરના સમન્સ મળ્યા છે. બની શકે કે આ બંને નેતાઓ આ કેસ સંબંધે પોતાની દલીલ અને થઈ રહેલા આક્ષેપોનો મીડિયાના માધ્યમથી જવાબ આપે.