આમ આદમી પાર્ટીને આઠથી પણ ઓછી બેઠકો મેળવશે તેવું સટ્ટાબજારનું ગણિત: ભાજપની 125 બેઠકના 30 પૈસા અને 136 બેઠકોનો 1 રૂપિયો ભાવ 


જામનગર મોર્નિંગ - જામનગર
 

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની સરકાર બની રહી હોવાના દાવા કરી રહ્યા છે ત્યારે બીજીતરફ સટ્ટાબજારના મતે ગુજરાતમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. આ માટે સટ્ટાબજારમાં બેઠક દીઠ ભાવો પણ ખુલ્યા છે. ભાજપને 132 થી 136 બેઠકો આવે તેવું સટ્ટાબજાર માની રહ્યું છે જ્યારે કોંગ્રેસ માટે આ આંકડો 26 થી 28નો છે. આમ આદમી પાર્ટી સિંગલ ડિજિટ સુધી સિમિત રહે તેવી શક્યતા સટ્ટાબજારમાં ખુલેલા ભાવ પરથી જાણી શકાય છે. 

કહેવાય છે કે, સટ્ટાબજારના ગણિત વાસ્તવિકતાથી ખૂબજ નજીક હોય છે. ગુજરાતમાં સટોડિયોઓ ચૂંટણીના પરિણામો પર અબજો રૂપિયાનો સટ્ટો ખેલશે.

બુકીઓ અને પંટરો આ માટે સજ્જ બન્યા છે. અત્યારે મોટાભાગના સટ્ટા ઓનલાઈન ખેલાઈ રહ્યા છે. આ માટે જુદીજુદી મોબાઈલ એપ્લીકેશનની મદદ લેવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને સોમવારે બીજા તબક્કાનું મતદાન થશે. આ પૂર્વે જ સટ્ટાબજારે ગુજરાતમાં કોની સરકાર બનશે તે બાબતનું ચિત્ર સ્પષ્ટ કર્યું છે સટ્ટાબજાર મતે ગુજરાતમાં ભાજપનો ઘોડો વિનમાં ચાલી રહ્યો છે, ભાજપ માટે 132 થી 136 બેઠકોના અંદાજ માંડવામાં આવ્યો છે. જો કે 125 બેઠકો તો ઓછામાં ઓછી મળે તેવી સટ્ટાબજારની ધારણા છે. આ માટે ભાવ પણ ખોલવામાં આવ્યા છે. 125 બેઠકો માટેનો ભાવ 30 પૈસા બોલાઈ રહ્યો છે. એટલે કે જો, કોઈ સટોડિયો એમ કહે કે ભાજપને 125 બેઠકો આવશે અને આ બેઠક પર એક લાખનો દાવ ખેલે અને ભાજપને 125 બેઠક આવે તો સટોડિયાને 30 હજાર મળે.

સટ્ટાબજારમાં જેમ ભાવ ઓછા તેમ તેટલી બેઠકો આવવાની શક્યતા વધુ ગણાય છે. જોકે 132 થી 136 બેઠકનો ભાવ એક રૂપિયો બોલાઈ રહ્યો છે. એટલે કે, આટલી બેઠક આવે તો એક લાખની સામે એક લાખ રૂપિયા મળે. સટ્ટાબજારના ઉપરોક્ત ગણિત પ્રમાણે 125 બેઠક આવવાની શક્યતા વધુ છે જ્યારે 136 બેઠક આવવાની શક્યતા ઓછી છે એટલે કે, ભાજપને 125 થી ઓછી નહીં અને 136 થી વધુ નહીં એટલી બેઠક મળી શકે છે.


જ્યારે 145 બેઠકો માટેનો ભાવ 3 રૂપિયા બોલાઈ રહ્યો છે. એટલે કે, 145 બેઠકો આવે તો આ બેઠકના આંકડા પર સટ્ટો રમનારને એક લાખની સામે ત્રણ લાખ મળે. ઉપરોક્ત ભાવ પ્રમાણે આટલી બેઠક આવવાની સંભાવના સટ્ટાબજારના મતે ખૂબ જ ઓછી છે.

જ્યારે કોંગ્રેસ માટે સટ્ટાબજારમાં 26 થી 28 બેઠકનું ગણિત મંડાઈ રહ્યું છે, આમ આદમી પાર્ટીને આઠથી પણ ઓછી બેઠક મળે તેવું સટ્ટાબજારનું માનવું છે.