• ગ્રામીણ અર્થતંત્ર ખેતીવાડીથી ચાલે છે ત્યારે ગામથી ખેતીવાડીને જોડતા મુખ્ય રસ્તાઓ ડામર અથવા સિમેન્ટ રોડ આવી ગ્રાન્ટમાંથી બનાવવા જોઈએ


જામનગર મોર્નિંગ – જામનગર તા.06 : હાલાર વિસ્તારમાં સમાવિષ્ટ થતા જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં ગામથી સીમને જોડતા રસ્તાઓ મોટા ભાગના વિસ્તારમાં ખરાબ હાલતમાં છે. આ રસ્તા રીપેર કરવા માટે કોઈ ખાસ રસ દાખવતું નથી. શહેરથી તાલુકા અને તાલુકાથી ગામને જોડતા રસ્તાનું નવીનીકરણ કરાય છે ગામના શેરી રસ્તાઓનું પણ સમયાંતરે નવીનીકરણ કરાય છે.


હાલારના મોટા ભાગના ગામો ખેતી પર નિર્ભર છે ત્યારે ખેડૂતો,મજુરો, વાહનો અને ગ્રામજનો પણ દરરોજ ગામથી ખેતીવાડી તરફ દરરોજ એકથી વધારે વખત જતા હોય છે માની શકાય તેમની તમામ ગતિવિધિઓ ગામથી ખેતી વાડી તરફ રહેતી હોય છે. ત્યારે દરેક ગામથી ખેતીવાડીને જોડતા દરેક ગામમાં ૨-૪ તો ક્યાંક વધારે ઓછા મુખ્ય વાડી વિસ્તારના રસ્તાઓ હોય છે . આ રસ્તાઓને રીપેર કરવામાં જીલ્લા પંચાયત,ગ્રામ પંચાયત કે રાજ્ય સરકાર કોઈ રસ દાખવતું નથી.

કેન્દ્ર સરકાર દરેક ગામના વિકાસ માટે વર્ષે લાખો રૂપિયા ગ્રાન્ટ આપે છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્ય માંથી પણ લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તે સિવાય રાજ્ય સરકારની અનેક યોજનાઓ મારફત ગ્રામીણ વિકાસ માટે ગ્રાન્ટ આવે છે પણ આ ગ્રાન્ટ ગામતળ માં જ વાપરવામાં આવે છે જયારે ખરેખર ગ્રામીણ અર્થતંત્ર ખેતીવાડીથી ચાલે છે ત્યારે ગામથી ખેતીવાડીને જોડતા મુખ્ય રસ્તાઓ ડામર અથવા સિમેન્ટ રોડ આવી ગ્રાન્ટમાંથી બનાવવા જોઈએ ગ્રામીણ અને કૃષિ વિકાસમાં ખુબ રાહત રહે છે. હાલારના અનેક ગામો એવા છે જ્યાં શ્રાવણ મહિનાથી લઈને દિવાળી સુધી વાહન નથી લઇ જઈ શકાતા ખેડૂતો મહામુસીબતે વાહન પહોચાડે છે. ગ્રામીણ અર્થતંત્રને મજબુત બનાવવા માટે કૃષિપ્રધાન દેશને સાર્થક કરવા માટે ગામતળની સાથે જ ગામથી સીમને જોડતા મુખ્ય રસ્તાઓ રીપેર કરવા જ પડશે.