જામનગર મોર્નિંગ - રાજકોટ 

"મન હોય તો માળવે જવાય" કહેવતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી મેજર થેલેસેમિયાગ્રસ્ત હોવા છતાં પોતાની શારીરિક ક્ષતિ ભૂલી જઈ સર્જનાત્મક કાર્ય દ્વારા પોતાની જાતને "હમ કિસી સે કમ નહી" સાબિત કરી રહ્યા છે તેજસ્વી, હોનહાર અને મક્કમ મનના રાહુલ ભરતભાઈ મલસાતર.

૨૭ વર્ષીય રાહુલ હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે, માનવ જીવન એ ઈશ્વરની અમુલ્ય દેન છે. થેલેસેમીયા મેજરની જન્મજાત ખોટ ધરાવતા રાહુલે પોતાની ખામીને ખૂબીમાં ફેરવી યુવાવર્ગને આગળ આવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, યુવાનોએ નિયમિત બ્લડ ડોનેટ કરવું જોઈએ જેથી તેમના જેવા અનેક યુવાનો તેમના આપેલા લોહીથી નવજીવન મેળવી શકે. 

પ્રયત્ન કર્યા વિના હારી જવું, એના કરતા પરિશ્રમ કર્યા બાદ હારનો સ્વીકાર કરવો એ આત્માને વધારે શાંતિ આપે છે. "પંગુમ લંઘયતે ગીરીમ" સંસ્કૃત પંક્તિને સાર્થક કરી આદર્શ કર્મચારી તરીકે થેલેસેમિયા મેજર હોવા છતાં શારીરિક ક્ષતિ ભૂલીને અથાક પરિશ્રમ કરનાર રાહુલની કામગીરીની નોંધ દિલ્હી સુધી લેવામાં આવી હતી. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા દિવ્યાંગ સશક્તિકરણ અર્થે વર્ષ - ૨૦૧૯નો રાષ્ટ્રપતિ પુરસ્કાર તે સમયના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુના વરદ હસ્તે શ્રી રાહુલભાઇએ મેળવ્યો હતો. હાલમાં જ ગુજરાત સરકારશ્રી દ્વારા પણ રાજ્યકક્ષાનો એવોર્ડ પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. અદમ્ય કામગીરી અને સક્ષમ વ્યક્તિને પણ શરમાવે તેવા જુસ્સાની નોંધ લઈ રાજકોટની જુદીજુદી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

તેઓના પિતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, બે વર્ષના રાહુલને થેલેસેમિયા મેજર છે તેની જાણ થતાં જ પરિવાર ઉપર આફતનો પહાડ તૂટી પડ્યો હતો. સ્વાભાવિક રીતે આવા બાળકોની જિંદગી અન્ય લોકો કરતાં અલગ બની જાય છે. પરંતુ અસંખ્ય દવાઓ તથા ૫૦૦થી વધુ બ્લડ યુનિટ ચડાવવા છતાં રાહુલનું મનોબળ અડગ રહ્યું. અત્યારે દર ૧૫ દિવસે રાહુલને લોહી ચડાવવામાં આવે છે. ડાન્સના શોખીન રાહુલને શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શિક્ષકો ભાગ લેવા ન દેતા પરંતુ તેના મજબુત મનોબળ સામે શિક્ષકો પણ ઝુક્યા. અને અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાહુલે ભાગ લીધો. ૨૦૧૧માં ટી.વી.શો ‘‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’’માં પણ તેઓ ભાગ લઈ ચુક્યા છે. કોરોનાકાળ દરમ્યાન સી.એમ. કેર ફંડમાં પણ તેમણે પોતાનું યોગદાન આપેલું. 


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચાર થી પાંચ ટકા લોકોમાં થેલેસેમિયા જોવા મળે છે. થેલેસેમિયા રોગને મટાડવા માટે થતું બોર્નમેરો સ્ટેમસેલ ઓપરેશન ખુબ જ ખર્ચાળ હોવાથી સાવચેતી સ્વરૂપે થેલેસેમિયા મેજર બાળકને જન્મતું જ અટકાવવું જોઈએ અને આ શક્ય છે ફક્ત એક સામાન્ય થેલેસેમિયા પરીક્ષણ કરવાથી. જો દરેક યુવાન-યુવતી લગ્ન પહેલા જ થેલેસેમિયા પરીક્ષણ કરાવે તો આપણે સમાજને થેલેસેમિયામુક્ત બનાવી શકીએ અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. જરૂર છે ફક્ત જાગૃતતાની.