યુરિયા ખાતરની થેલી જોઈએ તો નેનો ખાતરની બોટલ તો લેવી જ પડશે

ખાતરના ડેપો વાળાઓની મનમાની

જામનગર મોર્નિંગ - દ્વારકા 

તસ્વીર - સુમિત દતાણી - ભાણવડ

ભાણવડમાં યુરિયા ખાતરની ખરીદી સાથે યુરિયા ખાતરની નેનોની બોટલ ખરીદવાની ખેડુતોને ફરજ પડાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ૨૩ ડિસેમ્બર એટલે "કિસાન દિવસ" પરંતુ જગતના તાત કહેવાતા ખેડૂતને કેટલી લાચારી અને બેબસીમાંથી પસાર થવુ પડી રહ્યુ છે એનો દાખલો સામે આવેલ છે જેમાં ખેડુતોએ પોતાની ફસલ માટે જે આવશ્યક છે એ યુરિયા ખાતરની થેલી જોઈએ તો નેનો નામની યુરિયા ખાતરની બોટલ પણ ખાતર ડેપોના સંચાલકો દ્રારા ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે ચાહે ખેડૂતને એ બોટલની કોઈ જરૂર ન હોય...!!

ભાણવડના એક જાગૃત ખેડૂતે મામલતદારને કરેલી રજૂઆતમાં જણાવેલ છે કે ખાતરના ડેપોના સંચાલકો શા માટે ખેડૂતોને જબરદસ્તી એ બોટલ ધાબડી રહ્યા છે...? શું આવુ કરવા માટે એ લોકોને કાયદાકીય અથવા તો બંધારણીય અધિકાર મળેલ છે...? જે ખેડૂતોને મોસમ લેવા માટે માત્ર યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત હોય અને એ નેનો યુરિયા ખાતરની બોટલની કોઈ જરૂરિયાત જ ન હોય તો શા માટે બોટલ લેવા દબાણ કરવામાં આવે છે...? શા માટે મોંઘવારીનો માર સહન કરતા ખેડૂતને વધારાનો અને બિનજરૂરી ખર્ચ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે...? ફરિયાદ સામે આવ્યા સુધીમાં કેટલાય ખેડૂતોએ આ રીતે મજબુરીવશ એ નેનો બોટલ ખરીદવી પડી હશે...? 

ત્યારે આ જાગૃત ખેડૂતે મામલતદારને રજુઆત કરેલ છે તાત્કાલીક આ મુદ્દે ઘટતુ કરવામાં આવે અને જગતના તાતને આ વધારાના અપાતા ડામમાંથી મુક્તિ અપાવવામાં આવે એટલુ જ નહી પણ જો ખાતરના ડેપો વાળાઓ પાસે આ રીતે કોઈ બંધારણીય જોગવાઈ ન હોય તો ધોરણસરની કાર્યવાહી પણ કરવામાં આવે.


ઉલ્લેખનિય છે કે આ નેનો યુરિયા ખાતરની એક બોટલની કિંમત રૂ. ૨૪૦ છે ત્યારે જે ખેડૂતને આ બોટલની કોઈ જરૂર જ ન હોય પણ ખાતરની થેલીની જરૂરિયાત હોય તો તે લેવા માટે મજબુરીથી આ ₹ ૨૪૦/ નો વધારાનો ચાંદલો કરવો પડે છે !! ત્યારે માત્ર ભાણવડ તાલુકા કે દેવભૂમિ દ્રારકા જીલ્લાના જ નહી પણ સમગ્ર રાજ્યના લાખો ખેડૂતોને પ્રભાવિત કરતા આ મુદ્દે ખુબ જ આવશ્યક છે કે તંત્ર અને કહેવાતી સંવેદનશીલ સરકાર ખાતર કંપનીઓના ફાયદા માટેના આ પ્રપંચ સામે લાલ આંખ કરે અને હાલના મહા મોંઘવારીના માહોલમાં આવી ઉઘાડી લૂંટ બંધ થાય એવી કાર્યવાહી કરે.

ભાણવડમાં ભુતકાળમાં પણ આ રીતે કેટલાક ખાતરના ડેપો સંચાલકો દ્રારા ઘરની ધોરાજી રાજકીય આગેવાનોની મીઠી નજર હેઠળ ચલાવવામાં આવેલ હતી જેને કેટલાક જાગૃત ખેડુતોએ ઉજાગર કરતા છાપે ચડેલ અને જે તે વિભાગના અધિકારીઓ અને સંચાલકોને ભાગવું પડ્યુ હતુ.