શહેર-જિલ્લામાં અન્ય ત્રણ દરોડામાં 4 બોટલ અને 7 ચપટા ઝડપાયા: બે શખ્સ ઝબ્બે: ત્રણની શોધખોળ 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં આવેલ મહાદેવનગરમાં રહેણાંક મકાનમાં દરોડો કરી પોલીસે ઈંગ્લિશ દારૂની 58 નંગ બોટલ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે જ્યારે સાધના કોલોની વિસ્તારમાં સાત ચપટા સાથે શખ્સની ધરપકડ કરી દારૂ પહોંચાડનારની શોધખોળ હાથ ધરી છે, દિ. પ્લોટ-54 માંથી બે નંગ બોટલ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે ઉપરાંત જામજોધપુરમાંથી 2 નંગ બોટલ સાથે શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ  ડેલુએ દારૂ - જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય જેના અનુસંધાને ડીવાયએસપી વી.ડી. વસાવા તેમજ સીટી સી ડીવીઝન પીઆઈ પી.એલ. વાઘેલા અને એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફના માણસો શનિવારે પેટ્રોલીંગમાં હોય ત્યારે યુવરાજસિંહ જાડેજા અને હરદીપભાઈ બારડને બાતમી મળી હતી કે શહેરમાં મહાદેવનગરમાં રહેતો મયુર કરશન ભાટીયા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેંચાણ કરે છે તેથી દરોડો કરી ઈંગ્લિશ દારૂની 58 નંગ બોટલ કિમંત રૂ. 29,000નો મુદામાલ ઝડપી લઈ આરોપી હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા અને હીતેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. 

જામજોધપુરમાં ગાય સર્કલ પાસેથી શુક્રવારે સાંજે પોલીસે બાતમીના આધારે પુષ્પરાજસિંહ કાંતુભા જાડેજા (રહે. ધ્રાફા) નામના શખ્સને ઈંગ્લિશ દારૂની 2 નંગ બોટલ કિમંત રૂ. 1000 તથા મોટરસાયકલ કિમંત રૂ. 20,000 કુલ મળી રૂ. 21,000ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં એમ-63માં રહેતો પિયુષ મુકુંદરાય કાકુ નામના શખ્સના રહેણાંક મકાનમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો કરી ઈંગ્લિશ દારૂના 7 નંગ ચપટા કિમંત રૂ. 700 સાથે ઝડપી લઈ દારૂ પૂરો પાડનાર શબ્બીર ઉર્ફે શબલો નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

જ્યારે જામનગર શહેરમાં દિ. પ્લોટ 54માં આવેલ મહાદેવ મંદિરની બાજુની શેરીમાં રહેતો દર્શન શેઠીયાના મકાનમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો કરી ઈંગ્લિશ દારૂની 2 નંગ બોટલ કિમંત રૂ. 1000નો મુદામાલ કબ્જે કરી આરોપી હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી છે.