જામનગર મોર્નિંગ - જામનગર 

 જામનગર તાલુકાના બેડ ગામનાં ખેડૂત દ્વારા ઓછા ખર્ચે સારું કામ કરતું મોટર સાયકલ સંચાલિત સાંતી મશીન વિકસાવ્યું હતું. જેને કારણે સમય અને ઇંધણનો બચાવ થયો હતો. ત્યારે ચાલુ વર્ષે પ્રગતિશીલ ખેડૂતનું જીલ્લા કક્ષાએથી સન્માન કરવામાં આવનાર છે. જામનગર તાલુકાના બેડ ગામનાં પ્રગતિશીલ ખેડૂત જેન્તીભાઈ ભવાનભાઈ સોનગરા દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધુ કામ કરતુ મોટર સાયકલ સંચાલિત સાંતી વિકસાવ્યું હતું. ખેડૂત જેન્તીભાઈ દ્વારા વિકસાવવામાં આવેલ આ સાંતી દ્વારા ખેડકાર્ય તથા વાવણીની કામગીરી પણ સરળતાથી થઇ શકે છે તથા ટ્રેક્ટરની સરખામણીએ ઇંધણમાં પણ બચત થાય છે. આવી નવીન ટેકનોલોજી વિકસાવવા બદલ ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ પુરસ્કાર યોજના અન્વયે ખેડૂત જેન્તીભાઈ ભવાનભાઈ સોનગરાનું ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ ભૂચર મોરી, ધ્રોલ ખાતેથી પ્રશંશાપત્ર આપી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે. ઉપરાંત રમેશભાઈ સંતોકી, મોટા વાગુદડ, તા. ધ્રોલ; શ્રી વિશાલભાઈ જેસડીયા, આણંદપર, તા. કાલાવડ; ગણેશભાઈ ભંડેરી, આણદા, તા. જોડિયા; કેશુભાઈ મોઢવાડિયા, ડેરા છિકારી, તા. લાલપુર તથા સુરેશકુમાર સુતરીયા, જામવાળી, તા. જામ જોધપુર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું કૃષિ ક્ષેત્રે નવીનતમ કામગીરી અન્વયે સન્માનિત કરવામાં આવશે.