જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 

મકરસક્રાંતિ અન્ય તહેવારો દરમ્યાન ચાઈનીઝ તુક્કલ તથા ચાઈનીઝ લેન્ટર્ન ખુબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલ/ લેન્ટર્નમાં હલ્કી ક્વોલીટીનાં સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે તથા સળગતી તુક્કલ- લેન્ટર્ન ગમે ત્યાં પડવાનાં કારણે જાનમાલ અને સંપત્તિને ઘણું જ નુકસાન થાય છે. સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) તેમજ ચાઇનીઝ માંઝા/ પ્લાસ્ટીક દોરીનાં ઉપયોગથી પશુ પંખી તેમજ પર્યાવરણને થતાં નુકશાન, આગજની કે તેની અન્ય કોઈ દુર્ઘટના ન બને તે બાબતને લક્ષમાં લેવી જરૂરી બને છે.

આગામી તા.૧૪/૦૧/૨૦૨૩ નાં રોજ મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને ભાવનગર શહેર તથા જિલ્લામાં સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) તેમજ ચાઇનીઝ માંઝ/ પ્લાસ્ટીક દોરીનાં ઉપયોગથી પશુ પંખી તેમજ પર્યાવરણને થતા નુકશાન, આગજની કે તેવી અન્ય કોઇ દુર્ઘટના ન બને તે બાબતને લક્ષમાં લઈ ચાઈનીઝ તુકલ તથા ચાઇનીઝ લેન્ટર્નનું ઉત્પાદન, વેચાણ તથા ઉડાવવા પર તેમજ ચાઈનીઝ માંઝા પ્લાસ્ટીક દોરીનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો અત્યંત જરૂરી જણાય છે. 

આથી, ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ)નાં કાયદાની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઈએ શ્રી બી.જે પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વાર હુકમ કરવામાં આવેલ છે કે, ભાવનગર શહેર તથા જિલ્લામાં કોઈપણ વેપારી વ્યક્તિ કે સંસ્થાએ ચાઈનીઝ તુક્કલ તથા ચાઈનીઝ લેટર્નનું ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ કરવું નહી અને ચાઈનીઝ તુક્કલ તથા ચાઈનીઝ લેન્ટર્ન ઉડાવવા નહી તેમજ સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ ચાઈનીઝ માંઝાનું ઉત્પાદન, ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરવું નહીં.

આ જાહેરનામું તા.૨૫/૦૧/૨૦૨૩ સુધી માટે અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.