જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટીના કોમન પ્લોટનો કબજો જાળવી રાખવા એક આસામીએ કરેલો દાવો અદાલતે ખર્ચ સાથે રદ્દ કરવાનો હુકમ કર્યાે છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા અશોક વાટીકામાં કોમન પ્લોટમાં અશોક હરજીભાઈ ધોકીયા મંદિર બનાવી તેમાં સેવા પૂજા કરે છે. તે પ્લોટને ડેવલોપ કરવા અશોકે ગાત્રાળ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી પોતે તેમાં મેનેજિંગ ટ્રસ્ટી બન્યો હતો અને ત્યાં રહેણાંક મકાન બનાવી અંગત ફાયદો લેતો હતો. આ બાબતે સોસાયટીના રહેવાસીઓએ વિરોધ કરી કોમન પ્લોટવાળી જગ્યા ખાલી કરવાનું કહેતા અશોક ધોકીયાએ કોમન પ્લોટવાળી જગ્યા ટ્રસ્ટની હોવાનું ઠરાવી આપવા તથા જગ્યાનો કબજો છોડાવાય નહીં તેવી માંગણી સાથે કોર્ટમાં દાવો કર્યાે હતો.

તે દાવા અન્વયે અશોક વાટીકાના રહેવાસીઓ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વાદીનો દાવો દંડ સાથે રદ્દ કરવા હુકમ કર્યાે છે. રહેવાસીઓ તરફથી વકીલ હસમુખ મોલીયા, જય અગ્રાવત, વૈભવ પ્રાગડા, ભાર્ગવ મોલીયા રોકાયા છે.