• 300 જેટલા દર્દીઓએ લાભ લીધો


જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૩ : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં એક્યુપ્રેસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના ઉપક્રમે સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે યોજવામાં આવેલા આ એક્યુપ્રેસર કેમ્પમાં મેડિકલ સેવા સપ્તાહ અંતર્ગત આયોજીત થયો હતો.

આ સતત સાત દિવસ સુધી આ કેમ્પની સેવા ચાલુ રહી હતી. દરરોજ આશરે 40 જેટલા દર્દીઓને વિવિધ રોગની એક્યુપ્રેસર સારવાર આપવામાં આવતી હતી. આ કેમ્પમાં એક સપ્તાહ દરમિયાન આશરે 290 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ માટે કાંદીવલી (મુંબઈ) સ્થિત એક્યુપ્રેશર પદ્ધતિના નિષ્ણાંત મુકેશભાઈ મહેતા કે જેઓ આયુર્વેદ સારવાર તથા નાડીવૈદનો પણ બહોળો અનુભવ ધરાવે છે, તેમના દ્વારા ખંભાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, સાયટીકા, ફ્રોજન શોલ્ડર, થાઇરોઈડ, લકવો, સર્વાઇકલ, સ્પોન્ડી રાઇટીસ, લીવરની સમસ્યા, કબજિયાત, ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર વિગેરે રોગોથી પીડાતા દર્દીઓને માત્ર ટોકન દરે સારવાર પૂરી પાડવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં ગરીબ અને નબળા વર્ગના દર્દીઓને આ સારવાર વિના મૂલ્યે આપવામાં આવી હતી. આ ઉપરાંત વૃદ્ધો અને કેમ્પના સ્થળ સુધી આવવામાં અસમર્થ અને પથારીવશ દર્દીઓને તેમના નિવાસ સ્થાને જઈને પણ એક્યુપ્રેશર તથા જરૂરી સારવાર આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ દ્વારા અપનાવાયેલો આ માનવીય અભિગમ લોકોમાં ખૂબ પ્રસંશા પાત્ર બન્યો હતો.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વારા)ની જહેમત સાથે પીડીજી ધીરેનભાઈ બદિયાણીનું સચોટ માર્ગદર્શન, ઝોન ચેરમેન તથા સેક્રેટરી લાયન હાડાભા જામ, દિનેશભાઈ પોપટ, પરેશભાઈ મહેતા, દર્શનાબેન મહેતા, મનસુખભાઈ નકુમ, યોગેશભાઈ મોટાણી, જેમીનીબેન મોટાણી, દિવ્યેશભાઈ મોદી, ચંદાબેન મોદી, ઘનશ્યામસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ જોશી વિગેરેનો નોંધપાત્ર સાથ સહકારથી આ સેવા સપ્તાહને સફળ સાંપડી હતી.