જામનગરમાં વિકાસ કામના ટેન્ડરોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે ટેન્ડરો આપવામાં આવે છે, જેમાં કામ રાખનાર કોન્ટ્રાક્ટર પેઢી અન્ય જિલ્લાની હોવાથી કામમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ અંગેની લેખિત ફરિયાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે.

જામનગરના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તા, પાણી, ભૂગર્ભ, લાઈટ સહિતના વિભાગના કામ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે.

પરંતુ સ્થાનિક એજન્સીને બદલે બહારના જિલ્લાની એજન્સીને કામ મળે છે, આથી કામ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. આવા એજન્સીના જવાબદારો ફોન ઉપાડતા નથી, ફરિયાદો ઉપર ધ્યાન આપતા નથી અને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, અમુક કામો સમય પહેલાં પૂરા થતાં નથી, ગેરન્ટી પિરિયડમાં કરવાના કામો પણ થતાં નથી, નીચા ભાવના ટેન્ડર ભરવામાં આવતા હોવાથી ભ્રષ્ટાચારનો વ્યાપ વધે એ ઉપરાંત કામના વધારાના ખર્ચને મંજુરી આપવામાં આવે છે.

આમ કામમાં થતો ભ્રષ્ટાચાર અટકાવવા માટે સ્થાનિક એજન્સીને કામ આપવું જોઈએ.