એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા: લતીપર ગામના સરપંચના ભાઈનું અકસ્માતમાં મોત

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં લતીપર રોડ પર બે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવાન અને સરપંચના ભાઈનું ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજતા બંને બનાવની જાણ પોલીસને થતાં ધ્રોલ પોલીસે ટ્રક ચાલક અને કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર આવેલા ગોકુલપર ગામ પાસે મંગળવારે મોડી રાત્રે આરજે 04 જેસી 1707ના ટ્રક ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી જીજે 03 એલજી 9326 નંબરની કાર અને ઠોકર મારતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં કારમાં બેઠેલા લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરા (ઉ.વ. 30, રહે. પીઠડ), યુવરાજસિંહ જગતસિંહ જાડેજા (ઉ.વ. 22) અને જયદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ. 19, રહે. બંને ટીંબડી) નામના ત્રણ આશાસ્પદ યુવાનના શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં, જ્યારે વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર ધ્રોલ આપ્યા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધ્રોલ પોલીસે બનાવ સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ યુવાનો ટીંબડી ગામે ભજન કાર્યક્રમમાં ગયા હોય અને બાદમાં મિત્રો કારમાં બેસી લતીપર નજીક રુદ્ર હોટલે નાસ્તો કરી અન્ય મિત્રને ઘરે મુકવા જતા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાતા ત્રણ આશાસ્પદ યુવાનોના મૃત્યુ નિપજ્યાં હતાં. વધુમાં જાણવા મળતી વિગત મુજબ જોડીયા તાલુકાના પીઠડ ગામના લાલજીભાઈ દુધની ડેરી ચલાવતાં હોય અને સંતાનમાં એક દીકરી હોય અને બાકીના યુવાન ખેતી કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બીજા બનાવમાં ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા ચંદુભાઈ લાખાભાઈ સરવૈયા (ઉ.વ. 46) નામના યુવાન પોતાનો છકડો રીક્ષા લઈ લાલપુર ગામના આજુબાજુ ગામમાં પાણી પહોંચાડી પરત આવતી વેળાએ લતીપર ગામમાં આવેલ ગૌશાળા પાસે બેફિકરાઈ અને પૂરઝડપે જીજે 05 જેએન 5208 નંબરના કાર ચાલકે ઠોકર મારતા ચંદુભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર કારગત નીવડે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું હતું, આ બનાવની જાણ ચંદુભાઈના ભાઈ લતીપર ગામના સરપંચ હસમુખભાઈ સરવૈયા પોલીસમાં કરતા ધ્રોલ પોલીસે તપાસ હાથ ધરી છે.