કોમન પ્લોટ પર સોસાયટીનો હક: દુકાનદારે કરેલી અરજી રદ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી સોસાયટીના પ્લોટને ફરતે સોસાયટીના રહેવાસીઓ દ્વારા કમ્પાઉન્ડ વોલ બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવતા આ પ્લોટ નજીકની એક દુકાનના સંચાલક દ્વારા આ બાંધકામ કામગીરી વિરૂધ્ધ અદાલતમાં મનાઈ હુકમની માંગણી કરવામાં આવી હતી, જે માંગણી અદાલતે ફગાવી દીધી છે અને સોસાયટીના રહેવાસીઓ કેસ જીતી ગયા છે.મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ રણજીતસાગર રોડ પર શનેશ્વર પાર્ક તરીકે ઓળખાતી સોસાયટીના કોમન પ્લોટમાં સોસાયટીના રહેવાસીઓ દ્વારા કમ્પાઉન્ડ વોલનું બાંધકામ ચાલુ કરવામાં આવતા પ્લોટની બાજુમાં દુકાન ધરાવતા હસમુખ રાઘવભાઈ નંદા દ્વારા સોસાયટીના રહેવાસીઓ અને કોર્પોરેશન વિરૂધ્ધ સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરી આ બાંધકામની કામગીરી વિરૂધ્ધ મનાઈ હુકમની માંગણી કરી હતી અને તેના વકીલે એવી દલીલ કરી હતી કે, અમારા અસીલના હવા-ઉજાસ, ચાલવાના સુખાધિકારને નુકશાન થાય છે અને કોર્પોરેશન પાસેથી બાંધકામની રજાચિઠ્ઠી પણ લેવામાં આવી નથી, તેથી થયેલું બાંધકામ તોડી પાડવાની માંગણી સહિત આ દુકાનદારે આ બાંધકામ વિરૂધ્ધ મનાઈ હુકમની માંગણી કરી હતી, જો કે, અદાલતે આ દુકાનદારની અરજી ફગાવી દીધી છે, એ સોસાયટીના રહેવાસીઓ વતી આ કેસમાં એડવોકેટ હસમુખ મોલીયા તથા જય અગ્રાવત હાજર રહ્યા હતા.
આ નોંધપાત્ર ચુકાદો આપતી વખતે એવી દલીલ થઈ હતી કે, રહેવાસીઓ દ્વારા લોકભાગીદારીથી કોમન પ્લોટ બાઉન્ડ્રીનું બાંધકામ કરવામાં આવે છે, તેમજ જીડીસીઆર-2017ના પાર્ટ-1 ના ક્લોઝ મુજબ કમ્પાઉન્ડ વોલના બાંધકામની રજાચીઠ્ઠીની જરૂરીયાત રહેતી નથી.આ તમામ કાયદાકીય દલીલો માન્ય રાખી અદાલતે દુકાનદારની વાંધાઅરજી મનાઈહુકમની માંગણી રદ કરવા હુકમ કર્યો હતો.
0 Comments
Post a Comment