જામનગર મોર્નિંગ - જામનગર 

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્ત્વાવધાનમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનાં ગીંગણી ગામે તા.૧૦-૦૧-૨૦૨૩ થી ૧૨-૦૧-૨૦૨૩ દરમ્યાન દેવસંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય હરિદ્વારના પ્રતિ કુલપતિ ડો.ચિન્મય પંડયાની પાવન ઉપસ્થિતિમાં “પ્રાન્તીય યુગ સર્જતા શિબિર “ નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ૧૫ વર્ષથી ૪૫ વર્ષની ઉંમર સુધીના યુવક-યુવતીઓ રજીસ્ટ્રેશન કરાવીને જોડાઈ શકશે. દરેક માટે આવાસ-નિવાસ-ભોજનની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી આવનાર શિબિરાર્થીઓએ તા. ૦૯-૦૧-૨૦૨૩ના સોમવારે સાંજ સુધીમાં ગીંગણી મુકામે ઉપસ્થિત થવાનું રહેશે. આ શિબિરમાં શાંતિકુંજ હરિદ્વારના વરિષ્ઠ જ્ઞાની વક્તાઓ દ્વારા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવશે, સવારે જાગરણ, યોગ, ધ્યાન, પ્રાણાયામ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવેલ છે. આ ઉપરાંત પુસ્તક મેળો, વિવિધ પ્રદર્શની અને સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન થયેલ છે. આ શિબિર પૂર્વે તા.૦૫-૦૧-૨૦૨૩ થી તા.૦૯-૦૧-૨૦૨૩ દરમ્યાન મીનાક્ષીબેન કારીયાના વ્યાસાસને પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે. વિશેષ માર્ગદર્શન માટે મો. ૯૭૧૨૨૧૧૯૯૦ અને ૯૮૯૮૮૯૪૯૪૧ નો સંપર્ક કરવો.