જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી થોડા સમયમાં આવનાર હોય, આ પૂર્વે દ્વારકાના નગરપાલિકા હોલ ખાતે છેલ્લી કારોબારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે દ્વારકા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત રૂ. 31.39 લાખના ખર્ચે દ્વારકાના માર્કેટ ચોકથી ગોમતીઘાટ સુધી નવો સીસી રોડ તથા તેની બંને સાઈડ પેવર બ્લોક લગાવવામાં આવ્યા હતા. જેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
રૂ. 8.50 લાખના ખર્ચે હોમગાર્ડ ચોકમાં સત્યમેવ જયતે પ્રતિમા સ્થાપિત કરાઇ હતી. રૂ. 13.68 લાખના ખર્ચે સયાજીરાવ સર્કલના ડેવલોપમેન્ટનું કામ કરાયું. રૂ. 28.59 લાખના ખર્ચે બસ સ્ટેશન સામે વાલ્મિકી વાસની વિવિધ શેરીઓમાં સી.સી. રોડ બનાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રૂપિયા 72.90 લાખના ખર્ચે આઉટ ગ્રોથ એરીયા ગ્રાન્ટમાંથી ભાવડા રોડ પર આવેલા સામબાઈ માતાજી મંદિરથી લાડવા ગામને જોડતા આશરે બે કિલોમીટર લંબાઇના સીસી રોડને બનાવવામાં આવ્યો હતો. 15માં નાણાપંચની ગ્રાન્ટ માંથી રૂ. 24 લાખના ખર્ચે દ્વારકા શહેરમાં ભડકેશ્વર ચોપાટી, સંતોકબેન બાલવાટિકા બિરલા પ્લોટ બાલવાટીકા, મીરા ગાર્ડન, જેવા સ્થળોએ વિવિધ જગ્યાએ સ્ટેપ ગાર્ડન તથા રમત ગમતના સાધનો લગાવવામાં આવ્યા છે.
15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી દ્વારકા શહેરના મુખ્ય રોડની બંને બાજુ આશરે 3,250 વૃક્ષારોપણનું કામ 40 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન યોજનાની ગ્રાન્ટ વર્ષ 2021/22 માંથી દ્વારકા શહેરના વિવિધ ચાર વિસ્તાર, જલારામ સોસાયટી, આવડ પરા, મુરલીધર ટાઉનશીપ તથા કીર્તિસ્થંભ પાસેના વિવિધ ચાર વિસ્તારોમાં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી છે. જેનો ખર્ચ આશરે રૂ. 15 લાખ થયો છે.
રૂ. 25 લાખના ખર્ચે વિકેન્દ્રિત જિલ્લા આયોજન યોજનાની ગ્રાન્ટ વર્ષ 2022/23 માંથી દ્વારકા શહેરના માયાસર તળાવથી ફાટક સુધી રાણેશ્વર વિસ્તારમાં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી છે.
આ ઉપરાંત દ્વારકાના પ્રખ્યાત એવા બિરલા પ્લોટમાં દસ લાખના ખર્ચે સાર્વજનિક પ્લોટમાં બાલ વાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા બિરલા પ્લોટના સ્વર્ગસ્થ મુળુભા માણેકના નામ ઉપર આ બાલ વાટિકાનું નામ મુળુભા માણેક બાલ વાટિકા રાખી તેમને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી.
આશરે રૂ. 2.70 કરોડના વિકાસ કાર્યોનું ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અધીકારી, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણીએ દ્વારકા નગરપાલીકાના સ્વભંડોળફંડમાં રૂપિયા એક લાખનું અનુદાન આપ્યું હતું.
0 Comments
Post a Comment