બે દિવસની તપાસમાં 48 બોગસ બેંક ખાતા મળ્યા, 10 ખાતા ટાંચમાં લેવાયા: 4.38 કરોડની વેરાશાખ બ્લોક કરાઇ

જામનગર મોર્નિંગ - અમદાવાદ (જુણેજા ઈલાયત)

ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડ વધી રહ્યું છે ત્યારે જ જીએસટી અધિકારીઓએ એટીએસની મદદથી સુરતની 75 પેઢીની 112 પ્રિમાઇસીસ પર દરોડા પાડી રૂ. 2768.31 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કૌભાંડીઓએ 61 બોગસ કંપનીઓ દ્વારા રૂ. 2768.31 કરોડના બોગસ બિલો જનરેટ કરીને 83.73 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઘરભેગી કરી દીધી હતી. તપાસમાં કોઇ આક્ષેપ થાય નહીં અને અધિકારીઓની સલામતી માટે જીએસટી અધિકારીઓ સાથે એટીએસની ટીમ તૈનાત રાખી હતી.

જીએસટી અધિકારીઓને ડેટા એનાલિસિસ સિસ્ટમ દ્વારા જનરેટ થયેલા ડેટાની તપાસ કરતાં ધ્યાનમાં આવ્યું હતું કે સુરતની ચોક્કસ પેઢી દ્વારા કોઇ કૌભાંડ કરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા સુરતના ચૌટાબજાર, મહિધરપુરા, સલાબતપુરા તથા નાનપુરાની નોંધાયેલી 75 કંપનીઓ આઇડેન્ટીફાઇ કરી હતી. અધિકારીઓએ આ 75 કંપનીઓની માહિતી એકત્રિત કરીને 7મી ફેબ્રુઆરીએ આ કંપનીઓની 112 પ્રિમાઇસીસ પર દરોડા પાડ્યા હતા. બે દિવસ ચાલેલી તપાસમાં અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે નોંધાયેલી કંપનીઓ પૈકી 61 કંપનીઓ બોગસ છે. આ કંપનીઓના રજિસ્ટ્રેશનમાં દર્શાવેલા બેંક ખાતા પૈકી 48 બેંક એકાઉન્ટ અસ્તિત્વ ધરાવતા નથી. ડિપાર્ટમેન્ટ દ્વારા આવી પેઢીના 10 એકાઉન્ટને ટાંચમાં લેવામાં આવ્યા હતા અને ક્રેડિટ લેઝરમાં રહેલા 4.38 કરોડની વેરાશાખ બ્લોક કરી દેવામાં આવી છે.

અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જ જાણવા મળ્યું હતું કે, આ બોગસ કંપની દ્વારા 2768.31 કરોડના બિલો જનરેટ કરાયા હતા અને કૌભાંડીઓએ આ કૌભાંડ કરી 83.73 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઘરભેગી કરી દીધી હતી. આ કૌભાંડમાં ઘણા મોટા માથાઓની સંડોવણી છતી થાય તેવી સંભાવના છે. બોગસ પેઢીની મદદથી છેતરપિંડી આચરી ખોટી વેરાશાખ મેળવનાર અને તેનો લાભ લેનાર બોગસ બિલો લેનાર બેનિફિશયરી પાસેથી વેરો, વ્યાજ તથા દંડ સાથે વસૂલાત સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી જ ગુજરાતમાં તો જાણે ઘણા લોકોએ બોગસ બિલિંગ કરવાનો જ વ્યવસાય શરૂ કરી દીધો હોય તેવો ઘાટ થયો છે. ગુજરાતમાં જ લગભગ 30 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ ચાલી રહી છે. બોગસ બિલિંગ કૌભાંડના એપી સેન્ટર અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ઊંઝા, સુરત છે. સમગ્ર કૌભાંડ આ શહેરોમાંથી જ ઓપરેટ થઇ રહ્યું છે.

અમદાવાદ જીએસટી ભવનના અધિકારીઓ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડીને બોગસ બિલિંગ કૌભાંડના પર્દાફાશ કરવામાં આવી રહ્યા છે ત્યારે જ ઘણી તપાસમાં આ કૌભાંડીઓને ડિપાર્ટમેન્ટના જ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓનું પીઠબળ હોવાનું સામે આવી રહ્યું છે. ઘણા નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓ કૌભાંડીઓ માટે જ કામ કરી રહ્યા છે.

બોગસ બિલિંગ કૌભાંડની મોટી તપાસ કરવામાં આવે ત્યારે જીએસટી અધિકારીઓ તેમના ઉપરી અધિકારીઓને અંધારામાં રાખતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. અગાઉ તો જ્યારે બોગસ બિલિંગ કૌભાંડીઓની ફરિયાદો છેક ગાંધીનગર પહોંચે અને ત્યાં આદેશ છૂટે પછી જ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવતું હતું. તપાસ દરમિયાન પણ ભેદી વાતાવરણ હોવાની ડિપાર્ટમેન્ટના જ સ્વચ્છ પ્રતિભા ધરાવતા તટસ્થ અધિકારીઓની ફરિયાદો છે. ઘણી વખત આરોપીઓને છાવરવાના પણ પ્રયાસ થયા હોવાના આક્ષેપો ડિપાર્ટમેન્ટ પર થઇ રહ્યા છે.

જીએસટી અધિકારીઓ દરોડા પાડવા માટે જતા હોય ત્યારે ઘણી વખત ડમી વેપારીઓ અને બોગસ બિલિંગ કરતા લોકો દ્વારા તેમના ઉપર હુમલા કરવામાં આવતા હોય છે. આવા સંજોગોમાં અધિકારીઓ મુશ્કેલીમાં મૂકાઇ જતા હોય છે. જેને કારણે મોટા ઓપરેશનમાં એટીએસની ટીમની મદદ લેવામાં આવતી હોય છે.