જામનગરના નાગરિકો પર રૂ. 53 કરોડનો કરવેરો ઝીંકાયો હતો: પાણીવેરામાં રૂ. 150નો વધારો: મિલ્કતવેરો સ્લેબવાર લેવાશે
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફટ અંદાજપત્ર ગત તા.31ના રોજ મ્યુનિસિપલ કમિશ્નરે સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજૂ કર્યુ હતું. આ બજેટમાં કુલ ખર્ચ 1079.40 કરોડનો અંદાજાયો છે. જયારે બંધ પુરાંત 141.85 કરોડની દર્શાવાઇ છે. આ બજેટમાં ત્રણ પ્રકારના નવા કરવેરા સુચવવામાં આવ્યા છે. ઉપરાંત મિલ્કત વેરા, વાહન વેરા, વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જમાં મળીને કુલ રૂા.53 કરોડનો વધારો સુચવવામાં આવ્યો હતો જેના ઉપર આજે સ્થાયી સમિતિ દ્વારા 60 ટકા કાતર ફેરવવામાં આવી છે અને આ પૈકી આશરે 23 કરોડનો વેરા વધારો મંજૂર કરી ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલવા ઠરાવ કરાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે ચેરમેન મનીષભાઇ કટારીયાના અધ્યક્ષ સ્થાને ખાસ બજેટ માટે યોજવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા વર્ષ 2023-24 માટેના અંદાજપત્રમાં સુચવેલા કરદર સહિતની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મ્યુ.કમિશ્નર દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2023-24 માટેના અંદાજ પત્રમાં મિલ્કત વેરામાં તોતીંગ વધારો સુચવવામાં આવ્યો છે. 25 ચો.મી. સુધીની મિલ્કત માટેનો દર રૂા.200થી વધારીને 380 સુચવાયો છે. 25થી 30 ચો.મી.સુધીની મિલ્કત માટેનો દર રૂા.250થી 480 સુચવાયો છે. 30થી 40 ચો.મી.સુધીની મિલ્કતનો દર રૂા.300થી વધારીને 640 દર્શાવાયો છે.
આ ત્રણેય કેટેગરીમાં મિલ્કત વેરો ગત વર્ષ મુજબ યથાવત રાખવા અને વધારો રદ કરવાનું સમિતિએ ઠરાવ્યું હતું. 40થી 50 મીટરની મિલ્કતનો વેરો અને 50 મીટરથી વધુ મિલ્કતનો વેરો જે અનુક્રમે રૂા.300 અને 400 હતો તે પરિણામલક્ષી દર મુજબ વસુલવાનું સુચવવામાં આવ્યું છે. અહીં તંત્ર દ્વારા લોકોને સ્પષ્ટપણે ન સમજાય તે રીતે રકમ લખવામાં આવી નથી. વાહન વેરામાં પણ મહાનગરપાલિકાએ વધારો સુચવાયો હતો. આ નવા વધારાની દરખાસ્તમાં ફેરફાર કરી થોડી રાહત સાથે આંશિક વધારો મંજૂર કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.
આ બજેટમાં પાણી ચાર્જમાં પણ નોંધપાત્ર વધારો સુચવામાં આવ્યો છે. હાલ ફિકસ કનેકશનનો વાર્ષિક પાણી ચાર્જ રૂા.1150 હતો તે રૂા.1500 સુચવવામાં આવ્યો હતો. જે રૂા.200ના ઘટાડા સાથે રૂા.1300 મંજૂર કરવામાં આવેલ છે. જયારે સ્લમ વિસ્તારના મિલ્કત ધારકો માટેનો પાણી વેરાનો દર રૂા.575થી વધારીને 750 સુચવાયો હતો. જે રૂા.100ના ઘટાડા સાથે રૂા.650 સુચવવામાં આવ્યો છે એટલે રૂા.75નો વધારો મંજૂર કરાયો છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ચાર્જમાં પણ 20થી 100 ટકા સુધીનો વધારો કમિશ્નરે સુચવ્યો છે. રહેણાંક વિસ્તારમાં 20 ટકાનો વધારો, બિન રહેણાક વિસ્તારમાં 50 ટકાનો વધારો અને ઔદ્યોગિક વિસ્તારમાં 100 ટકાનો વધારો સુચવવામાં આવ્યો હતો. જેને મંજૂરી આપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા હસ્તકના જામ રણજીતસિંહજી ઉદ્યાન (રણજીત સાગર) અને સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશ ટિકીટ જે રૂા.10 છે તે વધારીને 15 સુચવવામાં આવી હતી. જે વધારો નામંજૂર કરવામાં આવ્યો છે અન્ય જાહેર સ્થળોએ પ્રવેશના દર પણ ગત વર્ષ મુજબ યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. જામનગર મહાનગરપાલિકાના આ બજેટમાં કમિશ્નર વિજયકુમાર ખરાડીએ જામનગરની જનતા ઉપર ત્રણ નવા કરબોજ નાખ્યા છે. એન્વાયરમેન્ટ ઇમ્પ્રુમેન્ટ/ ગ્રીનરી ચાર્જ પ્રતિ વર્ષ રૂા.10થી 100 સુધીનો રહેશે. આ ઉપરાંત ફાયર સર્વિસ ચાર્જ પણ રૂા.10 થી 100 સુધીનો સુચવવામાં આવ્યો છે. જયારે ત્રીજા નવા વેરા એવા સ્ટ્રીટ લાઇટ યુઝર્સ ચાર્જ પણ હવે શહેરીજનોએ ચુકવવાનો રહેશે. મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ મિલ્કત ધારકો માટે વાર્ષિક રૂા.200નો વેરો સુચવવામાં આવ્યો છે. આ ત્રણેય નવા વેરામાં કમિશ્નરની દરખાસ્તમાં આંશિક ફેરફાર કરીને વેરો વસુલવાનું મંજૂર કરવામાં આવ્યું છે.
આમ કમિશ્નરે સુચવેલા કુલ 53 કરોડના વેરા વધારા ઉપર કાતર ફેરવીને રૂા.23 કરોડ જેટલો વેરા વધારો મંજૂર કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આજની આ બેઠકમાં કમિશ્નર વિજયકુમાર ખરાડી અને મેયર બિનાબેન કોઠારી કોઇ પણ કારણોસર ગેરહાજર રહ્યા હતા. વહીવટી પાંખ તરફથી ઇન્ચાર્જ ડીએમસી ભાવેશભાઇ જાની, ઇન્ચાર્જ આસી.ટેકસ કમિશ્નર કોમલબેન પટેલ તથા વિવિધ વિભાગના જવાબદાર અધિકારીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ બજેટ હેઠળ મહાનગરપાલિકાના ફાળા પેટે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિને રૂા.15 કરોડ તથા શાળાના ફર્નિચર, રિપેરીંગ, નળ-લાઇટ ફીટીંગ અને ફાયર સેફટીના સાધનો માટે વધારાના રૂા.1.05 કરોડ મળીને કુલ રૂા.16.05 કરોડ ફાળવવાનું સમિતિએ મંજૂર કર્યુ હતું. આ જ રીતે વી.એમ.મહેતા મ્યુ.આર્ટસ અને કોર્મસ કોલેજના બજેટ માટે મહાનગરપાલિકાનો રૂા.15 લાખનો ફાળો મંજૂર કરવામાં આવ્યો હતો.
0 Comments
Post a Comment