આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ અંતર્ગત “સેમીનાર ઓન મીલેટસ” વિષય પર પરિસંવાદ યોજાયો”

જામનગર મોર્નિંગ - જામનગર  

બાજરા સંશોધન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ની ઉજવણીનાં ભાગરૂપે “સેમીનાર ઓન મીલેટસ” વિષય પર એક દિવસીય પરિસંવાદ જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સેમીનાર માં બાજરા સંશોધન કેન્દ્રના વડા અને સંશોધન વૈજ્ઞાનિક ડો. કે.ડી. મુંગરા દ્વારા સેમીનાર ઓન મીલેટસ વિષય પર ખુબ જ છણાવટથી મીલેટ પાકોની દુનિયા, દેશ અને ગુજરાતમાં સ્થિતિ વર્ણવી તૃણ ધાન્યોની અવનવી રેસીપી સેમીનારમાં રજૂ કરી હતી. તેમજ આ સેમિનારમાં તૃણ ધાન્ય પાકોના દાણા, ચોખા અને છોડના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે તૃણધાન્ય પકવતા ખેડૂતોએ આ ધાન્યોમાંથી બનતી જુદી જુદી બનાવટો વેચાણ માટે પ્રદર્શિત કરેલ હતી. 

સેમિનારના અધ્યક્ષ કુલપતિશ્રી ડો.વી.પી. ચોવટિયાએ જણાવેલ કે મીલેટસ ભારતનો પરંપરાગત ખોરાક હતો પરંતુ ઝડપી આધુનિક યુગમાં આપણે તેમને ભૂલી ગયા હોવાથી તેમને આ પાકોને વિસરાઈ ગયેલા અનાજ તરીકે ગણાવેલા અને મીલેટસના પ્રોસેસિંગની પ્રકિયાના સંશોધન ઉપર ભાર મુકવા જણાવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત નવસારી કૃષિ યુનીવર્સીટીનાં નિવૃત કુલપતિ ડો. સી.જે. ડાંગરિયાએ મીલેટસના સ્વાથ્ય સંબંધી ફાયદાઓમાં મીલેટસ એ જીવનશૈલી સાથે જોડાયેલા રોગો તેમજ બદલાતા વાતાવરણમાં મીલેટસ પાકોની જરૂરીયાત વિષે ભાર મુકેલ. સંશોધન નિયામક ડો. એચ.એમ. ગાજીપરાએ જામનગર કેન્દ્ર ખાતે થયેલ સંશોધન કામગીરી અંગે પ્રકાશ પાડેલ. આ સેમિનારની વિશિષ્ટતાનાં ભાગ રૂપે નાસ્તામાં બાજરાના વડા તથા ભોજનમાં રાગીના લાડુ તથા રાગીના પાપડ, બંટીની ખીચડી તથા બાજરા-જૂવારનાં રોટલા પીરસવામાં આવેલ હતા. 

આ પરિસંવાદ જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીનાં સંશોધન નિયામક ડો. એચ. એમ. ગાજીપરા, યુનીવર્સીટીના જુદા જુદા પાકના વૈજ્ઞાનિકઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, અન્ય હિતધારકોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં બાજરા સંશોધન કેન્દ્રના અધિકારી/કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી.