રિસામણે આવ્યા બાદ અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ હોવાથી ગર્ભ રહી ગયો: બદનામીના ડરથી બાળકને ત્યજી દઈ નાસી ગયેલ 

જામનગર મોર્નિંગ - જામનગર   

જામનગરમાં ગુરુવારે જી.જી. હોસ્પિટલના ગેઇટ પાસેથી મોડી રાત્રે નવજાત શીશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, ત્યારબાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી આ બાળકને જન્મ આપી ત્યજી દેનાર માતાને શોધી કાઢી હતી. 

જામનગર શહેરમાં ગુરુવારે મોડી રાત્રે નવજાત શીશુ મળી આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી, પોલીસે પણ આ વાતની જાણ થયા બાદ તુરંત જ સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી કેમેરા તપાસી તેમાં એક શંકાસ્પદ રીક્ષા જોવા મળી હતી. બાદમાં ખેતીવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની પરણિત પુત્રી કલ્પનાબેન જમનભાઈ પારીયા કે જેઓએ ઇન્દિરા કોલોનીમાં રહેતા વિજયભાઈ અમુભાઈ બોખાણી સાથે લગ્ન કર્યા હોય બાદ અઢી ત્રણ વર્ષથી સાસરેથી રિસામણે આવી માવતરે બેઠી હોય તે દરમ્યાન એક પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાય જતા ગર્ભવતી થયેલ હોય ગુરુવારે દુખાવો થતા ભાઈ દર્પણ, માતા વિજયાબેન અને બહેને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઇ આવેલ જ્યાં હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં જ પ્રસુતી થઈ ગઈ હતી. 

બાદમાં મેડીકલ સ્ટાફ કે અન્ય કોઈને જાણ કર્યા વગર બાળકને જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ત્યજી દઈને પરિવારના સભ્ય તથા જન્મ દેનાર માતા ત્યાંથી ચાલ્યા ગયેલ હોવાનું ખુલવા પામ્યું હતું. 

સમાજમાં બદનામીના ડરથી બાળકને ત્યજી દઈ ત્યાંથી જતા રહેલ હોવાની કબુલાત આપી હતી. 

આ કાર્યવાહી પીઆઈ એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ. વાઢેર, બી.બી. કોડીયાતર તથા સ્ટાફના ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ રાણા અને વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.