જામનગર મોર્નિંગ – જામનગર તા.૨૭ : જામનગર શહેરમાં જ્યાં વર્ષો પહેલા ખુલ્લી ગટર હતી ત્યાં હવે ભૂગર્ભ ગટર થઇ ગઈ છે જે શહેરીજનો માટે ખુબ સારી બાબત છે. ઠેર – ઠેર ગટર ઉભરાવવાની રોગચાળાની દહેશત નહીવત થઇ ગઈ છે. ભૂગર્ભ ગટરની સાફ – સફાઈ માટે અમુક અંતરે કુંડીઓ બનાવીને તેમાં ઢાંકણા મુકવામાં આવ્યા છે જે મારફત ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવે છે. જામનગર શહેરના એ તમામ વિસ્તારો જ્યાં ભૂગર્ભ ગટર કાર્યરત છે ત્યાં ભૂગર્ભમાં આવી ઢાંકણા વાળી કુંડીઓ મુકવામાં આવી છે જ્યાંથી સફાઈ અને જયારે ગટરમાં કચરો ભરાઈ જાય ત્યારે કાઢવામાં આ કુંડીઓ કામ આવે છે.

જામનગર શહેરના ગુલાબ નગર વિસ્તારના વિભાપર રોડ, ભૂતિયા બંગલાની બાજુમાં રામેશ્વર મહાદેવ મંદિરના ચોકમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા અવાર-નવાર તૂટી જાય છે. આ જગ્યા પરથી કંપનીઓના હેવી લોડેડ ટ્રક પસાર થતા હોવાથી ઢાંકણા બે થી ત્રણ દિવસમાં તૂટી જતા હોય છે અને જયારે આ અંગે કોર્પોરેશનમાં જાણ કરવામાં આવે તો ફરી બીજું ઢાંકણું ફીટ કરવામાં આવે જો કે એ પણ ફરી આવા લોડેડ ટ્રકના કારણે તૂટી જાય છે. આ સમસ્યા જામનગર શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર છે જ્યાં જ્યાં ભૂગર્ભ ગટર મુખ્ય રોડ નીચેથી પસાર થાય છે. આમ આવી જગ્યા પર મજબુત ઢાંકણા અથવા વૈકલ્પિક કોઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ જેથી વારંવાર આવી સમસ્યાનો સામનો ના કરવો પડે તે અંગે જામનગર મહાનગર પાલિકા એ ખૂટતું કરવું જોઈએ.