દ્વારકામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મંદિર પાસે રહેતા વિશ્વજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના મકાનની બાજુમાં આવેલા એક અવાવરું ખંઢેર મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડનો 156 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આથી પોલીસે રૂપિયા 62,400 ની કિંમતનો શરાબનો જથ્થો કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપી વિશ્વજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.
ઓખામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો
ઓખાના બસ સ્ટેશન પાસેથી પોલીસે રાત્રિના સમયે બર્માશેલ ક્વાર્ટર્સના મફતીયા પરા વિસ્તારમાં રહેતા નાયાભા પેથાભા સુમણીયા નામના 36 વર્ષના શખ્સને દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયાના નાના આસોટા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા ખીમા નેભા ખૂટી નામના 55 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત આ શખ્સની વાડીએ પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, ગેસ સિલિન્ડર, ગેસનો ચૂલો, પતરાનો ડબ્બો, હાંડો, તપેલી વિગેરે મળી, કુલ રૂપિયા 2,480 નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
પીધેલા વાહન ચાલક સામે કાર્યવાહી
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રવિ કેશુભાઈ ગામી નામના 19 વર્ષના શખ્સને પોલીસે કેફી પીધેલી હાલતમાં જી.જે. 10 એ.આર. 2254 નંબરના સીડી ડીલક્ષ મોટર સાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.
ઓખાના મારુતિ નગર વિસ્તારમાં રહેતા પાલાભા ઓઘડભા માણેક નામના 36 વર્ષના શખ્સને પોલીસે છરી સાથે ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.
0 Comments
Post a Comment