ડોલ્ફીનની ડૂબકીઓ અને બોટ પર મંડરાતા સિંગલ પક્ષીઓ અહીંનું આકર્ષણ 

જામનગર મોર્નિંગ - દ્વારકા (બુધાભા ભાટી) 


જૈવવિવિધતાની સરખામણીએ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો પણ અદ્વિતીય છે. અદભુત દરિયાઈ જીવ સૃષ્ટિ ની અસ્ક્યામત અહીં છુટા હાથે વેરાયેલી છે. કિનારાનું અને આંતરિક સૌંદર્ય બંને સ્વર્ગીય અનુભૂતિ કરાવે એવા છે. આવો આનંદ માણવાનો ભાગ્યશાળી લોકો ચૂકતા જ નથી અને સીઝન આવતા જ પહોંચી જાય છે આ અલૌકિક દરિયાઈ વિસ્તારમાં. દ્વારકા,  ઓખા અને  બેટ-દ્રારકાની મુલાકાત લેવી એટલે જીવતે જીવ જ સ્વર્ગીય નજારો જોવાનું સદભાગ્ય. એમાંય વળી સિગ્નેચર બ્રિજને તૈયાર થતો સમુદ્ર માંથી નિહાળવો એટલે બ્રિજના ટાવરમાં અંકિત મોરપીંછ માં કૃષ્ણના હસ્તાક્ષરને જોવા.

અહીંયા નો રત્નાકર પોતાના પેટાળમાં નાના મોટા અનેક અદભુત જીવોને સમાવીને પોશી રહ્યો છે. સાથે સાથે કિનારે વસ્તી પ્રજાની રોજી રોટી પણ સંતોષી રહ્યો છે. જે વ્યક્તિઓ સાહસ ,સહેલ અને રોમાંચના ઉપાસકો છે તેઓ માટે આ દરીયો અનુકૂળ છે. દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે આથી જ તો સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ બની ને સૌ ને આકષેઁ છે. ઓખા મંડળનાં આ હેરિટેજનું શબ્દોમાં વર્ણન ઓછું પડે પણ એને રૂબરૂ જઈને માણવું એટલે પરમાત્મા ના સર્જનની ઝાંખી કરવી. અહીંના સમુદ્રમાં વિવિધ પ્રકારની માછલીઓ,વિવિધ પ્રકારનાં સાપ, પરવાળા, જેલીફીશ, ઓક્ટોપસ, સમુદ્રી ફૂલ વિવિધ પ્રકારના કરચલાઓ, ઝીંગા , લોબસ્ટર, ડોલ્ફિન અને અન્ય સસ્તન પ્રાણીઓ, વિવિધ પ્રકારના શંખના જીવો તેમજ સહેલાણી પક્ષીઓ માટેની અનુકૂળતાઓ છે . અહીં આ બધો નજારો એક સાથે માણી શકાય છે.

આ બધા સમુદ્રી જીવો નું આકર્ષણ સમુદ્રને સમૃદ્ધ બનાવે છે. ડોલ્ફિનની ડૂબકીઓ અને બોટ પર મંડરાતા સિગલ પક્ષીઓનો નજારો એ અહીંનું ખાસ આકર્ષણ છે.