જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જાહેર રોડના ખાડામાં ઇંટો ભરેલ ટ્રેક્ટર ફસાયું  

જામનગર મોર્નિંગ – જામનગર તા.૦૫

શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર – ૫૮ ના જાહેર રોડ પરથી પસાર થઈ રહેલ ઇંટો ભરેલ ટ્રેકટર રોડના ખાડામાં ફસાયું હતું જે ભારે જહેમત બાદ પસાર થઇ શક્યું હતું.  

શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮માં ગેસની પાઈપ લાઈન પસાર થઇ ત્યારે જે રોડ તોડીને ખાડાઓ કરવામાં આવ્યા હતા તે કામ પૂર્ણ થઇ ગયા બાદ રોડ પરના ખાડાઓમાં વ્યવસ્થિત રીતે બૂરાણ કે પેચવર્ક કરવામાં આવ્યું ના હોવાથી આજે બપોરના સમયે ઇંટો ભરેલ ટ્રેકટર પસાર થઇ રહ્યું હતું ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીનું પાછળનું ટાયર રોડ પરના આ ખાડામાં ફસાઈ ગયું હતું બાદમાં ભારે જહેમત બાદ ટ્રેક્ટરનું ફસાયેલ ટાયર બહાર કાઢવામાં સફળતા મળી હતી. 

જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ હોય, ગેસની પાઈલ લાઈનનું કામ હોય કે અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કામ હોય જયારે આ કામ કરવામાં આવે ત્યારે રોડ તોડવામાં આવે છે પણ કામ થઇ ગયા બાદ પછી કોઈ દરકાર લેવામાં આવતી નથી જેમતેમ બૂરાણ કરીને જે-તે એજન્સી જતી રહે ત્યારે જવાબદાર મહાનગર પાલિકાના ઈજનેર જોવા જતા નથી પરિણામે નગરના લોકોને આવી હાડમારી નિયમિત વેઠવી પડે છે.