જામનગર મોર્નિંગ - જામનગર 

સમગ્ર વિશ્વમાં બીજી ફેબ્રુઆરીએ "વર્લ્ડ વેટલેન્ડ્સ ડે"ની ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વી પરની વિવિધતાને લીધે વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ જૈવ પ્રજાતિઓ જોવા મળે છે. જેમના અસ્તિત્વ માટે વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તાર (ભીની જમીન)નું મહત્વ ઘણું વધારે છે. આ મહત્વ અંગે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં માનવસર્જિત માત્ર પાંચ 'રામસર સાઇટ'માં સમાવિષ્ટ કુલ ૪ રામસર સાઈટ માંથી એક એવા જામનગરમાં આવેલા  ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે તા.૦૨-૦૨-૨૦૨૩ ના રોજ વિશ્વ જલપ્લાવીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  જેના ભાગ રૂપે અલગ અલગ શાળાઓ જેમાં નાગેશ્વર જીલ્લા પંચાયત પ્રાથમિક શાળા, ખીજડીયા પ્રાથમિક શાળા, ઉમા શૈક્ષણિક સંકુલ જાંબુડાના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓ સાથે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે અલગ અલગ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેટલેન્ડ વોક, રેલી, પક્ષી દર્શન, સફાઈઅભિયાન, ચિત્ર સ્પર્ધા, ઇકોબ્રિકસ વગેરે જેવી પ્રવુતિઓ કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગર, આઈએફએસ આર.સેન્થીલ કુમારન, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસીયા, વનપાલ એમ.ડી.ઠાકરિયા, ફોરેસ્ટ ગાર્ડ આર.વી.જાડેજા, જે.પી.હરણ, કે.આર.સુવા, ખીજડિયા પક્ષી અભયારણ્ય વેટલેન્ડ મિત્રો, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.