શહેરમાં દીવાબત્તી કરતી વેળાએ વૃધ્ધાનું દાઝી જવાથી મોત: ચક્કર આવતા પ્રૌઢનું મૃત્યુ: યુવાનનું છાતીમાં દુઃખાવાના કારણે મૃત્યુ     

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં યુવાનને આર્થિક તંગી અને લગ્ન ન થયા હોવાથી મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું છે જયારે શહેરમાં વૃધ્ધા દીવાબત્તી કરતા હોય તે વેળાએ કપડામાં આગ લાગી નીકળતા લાંબી સારવાર બાદ દમ તોડ્યો છે તેમજ જુના નાગનાના પ્રૌઢ હાલીને જતા હોય ત્યારે ચક્કર આવી જતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયા બાદ મૃત્યુ નીપજ્યું છે અને જામજોધપુરમાં યુવાનનું છાતીમાં દુઃખાવાના કારણે મૃત્યુ નિપજતા ચારેય બનાવની સ્થાનિક પોલીસમાં જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.   

મળતી વિગત મુજબ જામનગરમાં સુભાષ બ્રિજ નજીક રહેતા અને લુહારી કામ કરતા જયેશ દેવજીભાઈ સોલંકી નામના 42 વર્ષના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. મૃતકના મોટાભાઈ રાજેન્દ્ર દેવજીભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટુકડીએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છૂટક મજૂરી કામ કરતો હતો અને તેની ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, જેથી તંગી ભોગવતો હતો ઉપરાંત તેના લગ્ન પણ થયા ન હોવાથી લગ્ન બાબતે મનમાં લાગી આવતા ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. 

જયારે જામનગરમાં શરૂ સેક્શન રોડ પર કોનિક ટાવરમાં રહેતા સવિતાબેન પુંજાભાઈ દામોદરા નામના 68 વર્ષના વૃધ્ધા ગત તા. 31મી જાન્યુઆરીએ પોતાના ઘરે દીવાબત્તી કરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે દીવાની ઝાળથી તેઓના કપડાં સળગી ઉઠ્યા હતા અને પોતે ગંભીર સ્વરૂપે દાજી ગયા હતા, જેથી તેઓને સૌપ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાથી મૃતકના પુત્ર મેહુલ પુંજાભાઈ દામોદરાએ પોલીસને જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. 


તેમજ જામનગર નજીક જુના નાગના ગામમાં રહેતા અને પ્લમ્બરિંગ કામ કરતા અમૃતલાલ જેઠાલાલ રાઠોડ નામના 55 વર્ષના પ્રૌઢ કે જેઓ મંળગવારે પોતાના ઘરેથી નીકળીને મામા સાહેબના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા જે દરમિયાન તેઓને એકાએક માર્ગમાં ચક્કર આવતા પટકાઈ પડ્યા હતા, અને બેશુધ્ધ બન્યા હતા તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પુત્ર સુરેશ અમૃતલાલ રાઠોડે પોલીસને જાણ કરતા બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉપરાંત જામજોધપુરમાં પંચવટી સોસાયટી ખાતે રામવાડી-એક માં રહેતા બાબુભાઇ કારાભાઇ શીર નામના 49 વર્ષના યુવાનને ગત તા. 21ના છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજતા પુત્ર રાહુલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.