જામનગર મોર્નિંગ - જામનગર 

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ- જામનગર વિભાગના ધ્રોલ ડેપોમાં ટ્રાફીક ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અશોકકુમાર જે. શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

મળતી વિગત મુજબ ધ્રોલ ડેપોમાં ટ્રાફીક ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા અશોકુમાર શર્માને ધ્રોલ ડેપોના કંડકટર હિંમતભાઈ ઘાંચીએ ગત તા. 13.2.23ના રોજ ફરજ ફાળવણી બાબતે ફોન કર્યો હતો ત્યારે બંને વચ્ચે ફરજ બાબતે વાતચીત દરમિયાન અશોકકુમારે ઉશ્કેરાઈ જઈ કંડકટરને બિભત્સ ગાળો આપી હતી, જે ઓડિયા કલીપ વાયરલ થતાં એસટી નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી હતી. તેમના આ કૃત્યની પ્રાથમિક તપાસ અને અહેવાલને ધ્યાને લઈ નિગમના સેવા નિયમનની કલમ 83-બી હેઠળ નિયત થયેલી જોગવાઈ મુજબ તા. 16.2.2023 થી ફરજ મોકુફ (સસ્પેન્શન) હેઠળ મુકવાનો વિભાગીય પરિવહન અધિકારી જે.વી. ઈસરાણી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ ફરજ મોકુફી દરમિયાન ખંભાળિયા ડેપો ખાતે ખંભાળિયા મેનેજર સમક્ષ હાજરી પૂરાવવાની રહેશે, અને તેમની મંજૂરી વિના હેડ કર્વાટર છોડી શકશે નહીં. આ કાર્યવાહીને લઈને એસ.ટી વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.